અમદાવાદઃ ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે ઝડપી લીધેલા 3 આતંકીની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, તેમણે અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટ આસપાસના વિસ્તારની રેકી કરી હતી. તેમનું મુખ્ય ટાર્ગેટ લખનઉનું આરએસએસનું મુખ્ય કાર્યાલય હતું. ઉપરાંત દિલ્હીના આઝાદ મેદાન આસપાસના વિસ્તારની રેકી કરી હતી અને તેના ફોટો તથા વીડિયો પણ ઉતાર્યા હતા. જે અંગે હાલ એટીએસની ટીમ તપાસ કરી રહી છે.
ત્રણેય આતંકીની કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં વારંવાર શંકાસ્પદ હિલચાલની વિગતો પોલીસને મળી છે. આ ત્રણેય પાકિસ્તાનના આતંકી સંગઠનના માણસો સાથે સંપર્કમાં હતા. એસીપી શંકર ચૌધરી અને કે.કે. પટેલને બાતમી મળી હતી કે, હૈદરાબાદથી એક આતંકી અમદાવાદમાં હથિયાર લેવા આવ્યો છે. અડાલજ ટોલનાકા પાસેથી ગાંધીનગર પોલીસની મદદથી આતંકી ડો.અહમદ મોહિયુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી 3 વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળ્યા હતા.
ડો.મોહિયુદ્દીને નરોડા ફ્રૂટ માર્કેટ સહિત ઘણી જગ્યાની રેકી કરી હતી. જેના ફોટો અને વીડિયો તેણે લીધા હતા. મોબાઇલ ફોન ચેક કરતાં વારંવાર તેમની કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં અવરજવર હોવાની વિગતો પણ મળી છે. હાલ ત્રણે આતંકી ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સના અફઘાનિસ્તાનમાં બેઠેલા લીડર અબુ ખદીજાના આદેશનું પાલન કરતા હતા. આતંકીઓની પૂછપરછ માટે હૈદરાબાદ અને ઉત્તરપ્રદેશની પોલીસ પણ આવશે.
દિલ્હીમાં કારમાં વિસ્ફોટ બાદ SoUની સુરક્ષા વધારાઈ
દિલ્હીમાં સોમવારે બ્લાસ્ટની ઘટના બાદ દેશનાં વિવિધ રાજ્યોમાં પોલીસ દ્વાર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. જેમાં ખાસ કરીને મોટાં પ્રવાસન ધામો અને ધાર્મિક સ્થળો પર પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ખાતે પોલીસ સહિત અન્ય સલામતી દળોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. આસપાસના વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. 15 નવેમ્બરે પીએમ મોદીનો ડેડિયાપાડા ખાતે મોટો કાર્યક્રમ પણ હોવાના લીધે સુરક્ષા વ્યવસ્થામાં વધુ સાવચેતી રખાઈ રહી છે.
રેલવે સ્ટેશન અને હોટેલમાં ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ સહિત રાજ્યમાં હાઇએલર્ટ અપાયું છે. ખાસ કરીને ગુજરાત-રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરાઈ રહી છે, તેમજ અંબાજી મંદિરની સુરક્ષા વધારી દેવાઈ છે. અમદાવાદમાં પ્રવેશતાં એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, હોટેલ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિતના અધિકારીઓને પોલીસ સ્ટેશન અને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. શહેરમાં પ્રવેશતા તમામ રસ્તા પરની ચેક પોસ્ટ ખાતે ચેકિંગ શરૂ કરાયું છે.

