અંબાજીઃ ગુજરાત સરકારના વનમંત્રી પ્રવીણ માળી અંબાજી મંદિરે ધજા સાથે પહોંચ્યા હતા. તેમણે ભક્તો સાથે સંઘમાં જોડાઈને માતાજીનાં દર્શન કર્યાં હતાં. આ પ્રસંગે તેમણે કહ્યું કે, શક્તિપીઠ અંબાજી રૂ. 1600 કરોડના ખર્ચે વિશ્વકક્ષાનું યાત્રાધામ બની રહ્યું છે.
વનમંત્રી સિંહદ્વારથી ભક્તો સાથે સંઘમાં હાથમાં ધજા લઈને જોડાયા હતા. તેઓ લગભગ 3 કિલોમીટર સુધી પગપાળા ચાલીને મંદિર પહોંચ્યા હતા. ત્યાં તેમણે મંદિરના શિખર પર ધ્વજા અર્પણ કરી અને માતાજીનાં દર્શન કર્યાં હતાં. મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ડીસા ખાતે પણ વિશ્વકક્ષાનું જંગલ સફારી અને પ્રાણીસંગ્રહાલય બનાવવામાં આવશે. તેમણે બદલાતા ક્લાઇમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને વૃક્ષો, જંગલો અને પહાડો બચાવવાનો સંદેશ પણ આપ્યો હતો. આ દરમિયાન અંબાજીના સરપંચે મંત્રી સમક્ષ કોરિડોર પ્રોજેક્ટમાં તૂટનારાં મકાનો સામે અસરગ્રસ્તોને ઘરનું ઘર મળે તેવી રજૂઆત કરી હતી.

