પટણાઃ બિહાર વિધાનસભા માટે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં સરેરાશ 66.91 ટકા મતદાન નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પ્રથમ તબક્કાની ચૂંટણી 18 જિલ્લાની 121 બેઠકો પર થઈ હતી, જ્યારે મંગળવારે બીજા અને છેલ્લા તબક્કાની ચૂંટણીમાં 20 જિલ્લાની 122 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે 9 એક્ઝિટ પોલમાં NDAને સ્પષ્ટ બહુમતી મળતી નજર આવી રહી છે, જ્યારે મહાગઠબંધન 73-91 સીટો પર આગળ દેખાઈ રહ્યું છે.
પ્રશાંત કિશોરની જનસુરાજના ઉમેદવાર 3 સીટ પર સખત મુકાબલામાં છે અને પાર્ટીનું ખાતું ખૂલી શકે છે. બીજી તરફ અસદુદ્દીન ઓવૈસીની AIMIM માત્ર એક સીટ પર સીમિત થઈ શકે છે. RJD-કોંગ્રેસને મોટું નુકસાન થઈ રહ્યું છે. મહાગઠબંધનના ડેપ્યુટી CM ઉમેદવાર મૂકેશ સહનીનું ખાતું ખૂલવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.
વલણો શું કહે છે?
એનડીએ: 2020ની ચૂંટણીમાં NDAને 125 સીટો મળી હતી. આ વખતે એક્ઝિટ પોલ મુજબ 20થી 35 સીટનો ફાયદો થતો નજર આવી રહ્યો છે.
જદયુ: JDUને મોટો ફાયદો થઈ શકે છે. 2020માં JDUએ 43 સીટો જીતી હતી, જે આ વખતે વધીને 59થી 68 સુધી જઈ શકે છે, એટલે કે પાર્ટીને 16થી 25 સીટનો ફાયદો થઈ શકે છે.
ભાજપ: બિહારમાં BJPએ 2020ની ચૂંટણીમાં 74 સીટો જીતી હતી. આ વખતે તે પોતાની જૂની સીટ બચાવી રહી છે અને 8 સીટો પર સખત ટક્કરમાં છે. તેની સીટ 72થી 82 સુધી રહી શકે છે.
LJP(R)- HAM-RLM: ચિરાગ પાસવાનની LJP-R 28 સીટ પર ચૂંટણી લડી હતી, પણ તે 4થી 5 સીટ પર જ આગળ નજરે પડે છે. ઉપેન્દ્ર કુશવાહાની RLMનું ખાતું ખૂલવું પણ મુશ્કેલ છે.
મહાગઠબંધન: 2020માં મહાગઠબંધનને 110 સીટ મળી હતી, જેમાં આ વખતે 19-37 સીટનું નુકસાન થતું નજર આવી રહ્યું છે. સીટો ઘટીને 73થી 91 સુધી રહેવાનું વલણ છે.
રાજદ: બિહાર ચૂંટણીમાં RJD સૌથી વધુ નુકસાનમાં દેખાઈ રહી છે. 2020માં પાર્ટીએ 75 સીટ જીતી હતી. આ વખતે 12થી 24 સીટનું નુકસાન થઈ શકે છે.
કોંગ્રેસ: કોંગ્રેસે આ વખતે 59 સીટ પર ચૂંટણી લડી છે. પાર્ટી માત્ર 12થી 15 સીટ પર આગળ નજર આવી રહી છે. 2020માં કોંગ્રેસે 19 સીટ જીતી હતી.
વીઆઈપી: મુકેશ સહનીની VIPએ 13 સીટ પર ચૂંટણી લડી હતી. જો કે વલણોમાં પાર્ટી કોઈપણ સીટ પર આગળ નથી.
CPI(ML)-CPI-CPM: CPI-ML પણ નુકસાનમાં નજર આવી રહી છે. ગત વખતે પાર્ટીએ 12 સીટ જીતી હતી, આ વખતે માત્ર 6થી 9 સીટ પર આગળ છે. પાર્ટીને 3થી 6 સીટનું નુકસાન થઈ શકે છે.

