ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતો માટે 7 નવેમ્બર નિર્ણાયક સાબિત થયો. સરકારે પાક નુકસાની માટે 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિ પેકેજની જાહેરાત કરી છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને પોસ્ટ દ્વારા માહિતી આપી હતી. આ સહાય અંતર્ગત પિયત અને બિનપિયત માટે એકસમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 22 હજાર ચૂકવાશે, જેમાં 16500 ગામના ખેડૂતોને લાભ મળશે. જેનો સરવે થયો નથી એ ખેડૂત પણ અરજી કરી શકશે.
સરકારે 44 લાખ હેક્ટર જમીનમાં 100 ટકા નુકસાન ગણીને નિર્ણય કર્યો છે. રૂ. 10 હજાર કરોડના આ પેકેજમાં રૂ. 6429 કરોડ SDRF અને રૂ. 3386 કરોડ રાજ્યના બજેટથી ફાળવાયા છે. આમ કુલ રૂ. 9815 કરોડ થાય છે. જો કે જે ખેડૂતોનો સરવે નથી થયો તે પણ અરજી કરી શકશે અને જો પાત્રતા હશે તો તેને પણ સહાય ચૂકવાશે, જેથી આ સહાય વધીને રૂ. 10 હજાર કરોડ સુધી પહોંચી શકે છે.
સમીક્ષા બેઠક બાદ સીધી જાહેરાત
માવઠું અને કુદરતી આફતોના કારણે પાકને થયેલા ભારે નુકસાન બાદ સરકારે ખેડૂતોને રાહત આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અતિ મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી, જેમાં મુખ્યમંત્રીએ કૃષિ, મહેસૂલ અને નાણાવિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના મંત્રીઓ જિતુ વાઘાણી, ઋષિકેષ પટેલ, કુંવરજી બાવળિયા, અર્જુન મોઢવાડિયા તથા રમણ સોલંકી સાથે બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વીડિયો-કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોસ્ટ કરી માહિતી આપીને પાક નુકસાની માટે રૂ. 10 હજાર કરોડની રાજ્ય સરકારની જાહેરાત કરી છે.

