અમદાવાદઃ લોકસાહિત્યકાર, વાર્તાકાર અને સંપાદક પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું 85 વર્ષની વયે શુક્રવારે નિધન થયું. તેમના નિધનથી સમગ્ર ગુજરાતી સાહિત્ય અને લોકકલા જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લોકજીવન, લોકસંસ્કૃતિ અને લોકકલા પ્રત્યે જીવનભર સમર્પિત રહેલા જાદવે 90 જેટલી કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું. તેમણે લોકવાર્તાઓ, ગીતો અને સંસ્કૃતિનાં વિવિધ પાસાંને પોતાના સર્જન દ્વારા જીવંત રાખ્યાં હતાં. તેમની લોકપ્રિય વાર્તાઓમાં ‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘મરદાઈ માથા સાટે’ જેવી કૃતિઓનો સમાવેશ થાય છે. તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આકરુ ગામથી લોકસાહિત્ય સુધીનો સફર
જોરાવરસિંહ જાદવનો જન્મ 10 જાન્યુઆરી 1940ના રોજ ધંધૂકા તાલુકાના આકરુ ગામમાં થયો હતો. તેમના પિતા દાનુભાઈ હલુભાઈ ખેડૂત હતા, જ્યારે માતા પામબા અને સાવકી માતા ગંગાબાએ તેમનો ઉછેર કર્યો હતો. બાળપણથી જ લોકગીતો અને લોકકલાઓ પ્રત્યેનો ઝોક તેમને લોકસાહિત્યની દુનિયામાં લઈ ગયો. તેઓ 6 ભાઈ-બહેનોમાં બીજા ક્રમનાં સંતાન હતા.
વતનમાં લોકકલાનું મ્યુઝિયમ
જોરાવરસિંહ દેશભરના 5000 કલાકારોના સંપર્કમાં હતા. તેમને કામ અપાવવું, દેશ-પરદેશ મોકલવા, ક્યારેક ગ્રૂપની સાથે જવું, કોઈ સ્ટેજ ન આપે તેવા કલાકારોને સ્ટેજ અપાવવું. લોકકલા, લોકસાહિત્ય, લોકસંસ્કૃતિના સંશોધન માટે ગામેગામ ફરીને, વાદી-મદારીથી રાજા-મહારાજા સુધી પરિચય કેળવી કામ કર્યું હતું. તેમના વતનમાં લોકકલાનું મ્યુઝિયમ બનાવાયું છે.
જોરાવરસિંહ વાંચન, લેખન, ગુજરાતનાં તમામ છાપાંમાં લોકકલાની કોલમ લખતા હતા. તેમણે 99 પુસ્તકો લખ્યાં છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં તેમના લેખ અને યુનિવર્સિટીમાં તેમનાં પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે વપરાય છે. તેમની ‘ગુજરાતનો લોકકલા વૈભવ’ GPSCની રેફરન્સ-બુક તરીકે માન્ય છે.
‘ગુજરાત સમાચાર’ના વાચકો સ્વ. જોરાવરસિંહજીના નામથી અજાણ નથી. એબીપીએલ ગ્રૂપ સાથે ઘનિષ્ઠ નાતો ધરાવતા જોરાવરસિંહજીના માહિતીસભર લેખો દર દિવાળી વિશેષાંકમાં પ્રકાશિત થતા હતા અને વાચકોની ભરપૂર પ્રશંસા મેળવતા હતા.

