બારડોલીઃ નેપાળના મનાંગમાં ગુમ 2 ભારતીય નાગરિકના મૃતદેહ મળ્યા છે. કડોદ પંથકના રહેવાસી 52 વર્ષીય જિજ્ઞેશકુમાર લલ્લુભાઈ ભંડારી અને તેમની 17 વર્ષીય પુત્રી પ્રિયાંશીકુમારી ભંડારી દિવાળી વેકેશન દરમિયાન અન્નપૂર્ણા-3 પર્વત પર ટ્રેકિંગ માટે ગયાં હતાં.
દરમિયાન ભારે હિમવર્ષા થતાં બંનેનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. પરિવારજનો દ્વારા ભારતીય દૂતાવાસને જાણ થતાં નેપાળની સશસ્ત્ર પોલીસ અને પર્વતીય બચાવ દળને શોધખોળ માટે તહેનાત કરવામાં આવ્યા હતા. સશસ્ત્ર પોલીસ દળના સહ-પ્રવક્તા ડીએસપીએ જણાવ્યું હતું કે માઉન્ટેન રેસ્ક્યૂ તાલીમ પામેલી ટીમે રવિવારે ગુમ્બાથી 100 મીટર ઉપર બરફ નીચે દટાયેલી હાલતમાં બંનેના મૃતદેહ શોધી કાઢ્યા હતા. પિતા-પુત્રી જે હોટેલમાં રોકાયાં હતાં તે હોટેલ દ્વારા જ ગુમ થવાના સમાચાર સ્થાનિક તંત્રને અપાયા હતા. 9 નવેમ્બરે સશસ્ત્ર પોલીસના નાયબ અધીક્ષકના નેતૃત્વ હેઠળ બચાવ સામગ્રી સાથે ટુકડી તહેનાત કરાઈ હતી, ત્યારબાદ બંનેના મૃતદેહ મળ્યા હતા.

