જસદણઃ સૌરાષ્ટ્રમાં ભર શિયાળે કમોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર પાકને વ્યાપક નુકસાની થતા ખેડૂતોને ભારે આર્થિક ફટકો લાગ્યો છે. આવા તબક્કામાં સૌરાષ્ટ્રના ત્રણ ખેડૂતોએ આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતાં આપઘાત કરી લીધો છે. તાજેતરમાં ભાણવડ, ઊનાના રેવદ ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતાં આપઘાત કર્યો હતો ત્યારે રાજકોટ જિલ્લાના વીંછિયાના રેવાણિયા ગામે રહેતા ખેતમજૂર દાનાભાઈ રામજીભાઈ જાદવ (ઉ.વ.50)એ પાક નિષ્ફળ જવાથી આવેલી આર્થિક સંકડામણથી પીડાઈને પોતાના જ ઘરે ગળેફાંસો ખાધો હતો. કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે ખેડૂત દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ પોતાની વાડીએ દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.
વીંછિયાના રેવાણિયા ગામના દાનાભાઈના પરિવારજનોના જણાવ્યા મુજબ, ગયા વર્ષે પણ પાકમાં નુકસાન ગયું હતું અને આ વર્ષે પણ માવઠાના કારણે ખેતીમાં મોટું નુકસાન થવાથી તેઓ આર્થિક રીતે ખૂબ પીડિત હતા. આ જ કારણોસર નિરાશામાં આવીને તેમણે પોતાનો જીવ આપી દીધો હતો. સતત બે વર્ષથી પાક નિષ્ફળ જતાં તેઓ માનસિક તણાવમાં હતા. ખેતી પર નિર્ભર હોવાથી આવકનું સાધન છીનવાઈ જવાથી તેઓએ આ અંતિમ પગલું ભર્યું હતું. પરિવારજનોએ સરકાર સમક્ષ યોગ્ય વળતર અને સહાય ચૂકવવાની માગણી કરી હતી.
કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે ખેડૂત દિલીપભાઇ વીરડિયાએ પોતાની વાડીએ દવા પીને આત્મહત્યા કરી હતી. ગામના સરપંચે કહ્યું કે, માવઠાથી પાકને ભારે નુકસાન થયું છે. મગફળી ડુંગળી-કપાસ જેવા પાકની નુકસાની થયેલ અને ગયા વર્ષે પોતાની પુત્રીનાં લગ્ન કર્યાં હતાં, જેથી તેમના પર કરજ હતું. ચાલુ વર્ષમાં કપાસ અને મગફળી પાકનું વાવેતર કરેલ હોઈ તેમાંથી કરજની ભરપાઈની અપેક્ષા હતી. પરંતુ મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો.
માવઠાનો માર સહન ન થતાં ઊના પંથકના અન્ય એક ખેડૂતે કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે. ઉના તાલુકાના રેવદ ગામના ગફારભાઈ મુસાભાઈ ઉનડ નામના ખેડૂતે કમોસમી કહેર હેઠળ ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લીધો હતો અને 9 વીઘાની મગફળી ધોવાઈ જતાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગફારભાઈએ માલિકીની એક જ શેઢે ત્રણ વીઘા અને 6 વીઘા મળી કુલ 9 વીઘા જમીનમાં મગફળીનો પાક વાવેતર કર્યું હતું. ચારથી પાંચ મહિના સુધી લોહી-પાણી એક કરીને મગફળીના પાકનું જતન કર્યું. જો કે મહેનતનું ફળ સામે હતું પણ કોળિયો મોઢા સુધી આવી ન શક્યો. સતત નવ દિવસ પડેલા કમોસમી વરસાદ એ 9 વીઘામાં વાવેલી મગફળી નાશ થઈ જતાં દીકરીના લગ્ન લેવાનાં હતાં, તેના ઉપર માવઠાથી મંડળીનું રૂ. 2 લાખનું દેવું ભરવાનું હોઈ ચિતામાં છેલ્લા 10 દિવસથી ભારે તનાવ અનુભવતા હતા. અંતે ડિપ્રેશનમાં આવીને તેમણે જિંદગી ટૂંકાવી લીધી હતી. 49 વર્ષીય ગફારભાઈ મુસાભાઈ ઉનડે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું.

