લંડનઃ ભારતીય ક્લાસિકલ આર્ટ્સ અને સંસ્કૃતિ માટે યુકેની સૌથી અગ્રેસર સંસ્થાઓમાં એક ભારતીય વિદ્યા ભવન (ધ ભવન) દ્વારા CPZ D ( યુકેમાં સ્થાનિક રહેવાસીઓ માટે પાર્કિંગની પ્રાથમિકતા અને ટ્રાફિકનો પ્રવાહ જાળવવા માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગ નિયંત્રિત કરાય છે તેવા ડેઝિગ્નેટેડ એરિયાનો ઉલ્લેખ સાથેના કન્ટ્રોલ્ડ પાર્કિંગ ઝોન) અન્વયે જાહેર કરાયેલા નવા પાર્કિંગ નિયંત્રણ ફેરફારો બાબતે પુનઃવિચારણા કરવા હેમરસ્મિથ એન્ડ ફુલહામ કાઉન્સિલને તાકીદે અનુરોધ કર્યો છે અને તેમના નિર્ણયને પાછો ખેંચી લેવાય તે માટે પિટિશન લોન્ચ કરી છે.
1973માં સ્થાપિત અને 1978થી કેસલટાઉન રોડ પર કાર્યરત ભવન લગભગ પાંચ દાયકાથી લંડનના સાંસ્કૃતિક જીવનની આધારશિલા બની રહેલ છે અને પ્રતિ સપ્તાહ આશરે 1,000 વિદ્યાર્થી, શિક્ષકો, પરફોર્મર્સ અને મુલાકાતીઓને આવકારે છે.
નવાં નિયંત્રણો સપ્તાહના સાતેય દિવસ, એક કલાકની પાર્કિંગ મર્યાદા સાથે 8:30am થી 10pm સુધી અમલને વિસ્તારે છે અને ભવનના સરળ કામકાજ સામે ગંભીર ધમકી ઉભી કરે છે. ઘણા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ, સાધનો, કોસ્ચ્યુમ્સ લઈને આવે છે અને બાળકો સાથે પ્રવાસ કરે છે તેમના માટે ડ્રાઈવિંગ આવશ્યક બનાવે છે. ભવને ચેતવણી આપી છે કે આ ફેરફારોના પરિણામે તેના ક્લાસીસ, પરફોર્મન્સીસ અને વર્કશોપ્સ, જેમાંથી ઘણા બે કલાકથી વધુ સમય સુધી ચાલે છે તેમાં હાજરીને નોંધપાત્ર અસર થઈ શકે છે. સંસ્થાએ કાઉન્સિલને ખાસ કરીને સાંજ અને વિકએન્ડના કલાકોને વધારતા અને એક કલાકની મર્યાદા સહિત નિયંત્રણોના ફેરફારો અંગે પુનઃવિચારણા કરવા તેમજ સાંસ્કૃતિક અને કોમ્યુનિટી સંસ્થાઓને છૂટછાટ આપવા કાઉન્સિલને અનુરોધ કર્યો છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે વાતચીત કરતા ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBEએ લંડનના ભારતીય સાંસ્કૃતિક લેન્ડસ્કેપના હાર્દ ભવનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાથર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘ ભવન હંમેશાંથી સમાવેશિતા સિદ્ધાંતના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે, જાતિ, ધર્મ કે વર્ણને ધ્યાનમાં લીધા વિના ભારતીય કળા અને સંસ્કૃતિમાં રસ ધરાવતા કોઈને પણ આવકારે છે. ભવનનો આ સાચો પાયો છે. અમે બધા જ માટે ખુલ્લા છીએ, એક કેન્દ્ર છે જ્યાં જીવનના દરેક ક્ષેત્રમાંથી લોકો આવી શકે છે અને અમારી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. ભારતીય કળા અને સંસ્કૃતિ કોઈ એક સમુદાય કે ધર્મ સાથે સંલગ્ન નથી. અમારા કાર્યક્રમો અને પરફોર્મન્સીસ થકી આ સાર્વત્રિકતાને વિસ્તારવા અને અમારા નાના પ્રયાસો મારફત ભારત અને યુકે વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવીએ છીએ.’
ધ ભવનના વિદ્યાર્થીઓ અને ક્લાસીસની વ્યાપક રેન્જ વિશે વાત કરતા ડો.નંદકુમારાએ જણાવ્યું હતું કે, ‘કોવિડ અગાઉ, અમારી પાસે નિયમિત હાજરી આપતા આશરે 850 વિદ્યાર્થી હતા. મહામારી પછી લોકો હજુ હળવામળવા વિશે વધુ સાવધાની રાખતા હોવાથી સંખ્યામાં અંદાજે 20 ટકા જેટલો ઘટાડો થયો છે, પરંતુ ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. હાલ અમારી પાસે 750 જેટલા વિદ્યાર્થી છે. ક્લાસીસ ઉપરાંત, અમે દર સપ્તાહના અંતમાં કોન્સર્ટનું આયોજન કરીએ છીએ. અમારા ઓડિટોરિયમની ક્ષમતા આશરે 300 લોકોની છે અને વીકએન્ડમાં બે કોન્સર્ટના હિસાબે 600 લોકો હાજર રહે છે. દર વર્ષે નિયમિત ક્લાસીસની સાથોસાથ અહીં 80થી 90 કાર્યક્રમો યોજાય છે. અમે એક જ છત હેઠળ, દક્ષિણ અને ઉત્તર ભારતીય સંગીત અને નૃત્ય, સાધનો-ઈન્સ્ટ્રુમેન્ટ્સ, બંગાળી સંગીત, આર્કિયોલોજી, યોગ તેમજ ભારતીય ઉપખંડમાં અન્ય શાખાઓને આવરી લઈ અલગ અલગ 23 વિષયો ઓફર કરીએ છીએ.’
ડો.નંદકુમારાએ સૂચિત પાર્કિંગ નિયમો વિશે જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધી પાર્કિંગ નિયંત્રણો સપ્તાહના દિવસોએ 9am થી 5:30pm સુધી અમલી રહેતા હતા તેમજ સાંજે અને વીકએન્ડ્સમાં પાર્કિંગ નિઃશુલ્ક રહેતું હતું. નવી દરખાસ્ત અમલને સપ્તાહના સાતેય દિવસ, 8:00am થી 10pm સુધી લંબાવે છે અને એક જ કલાક સુધી પાર્કિંગની છૂટ આપે છે. આના કારણે અમે ભવનમાં જે કાંઈ કરીએ છીએ તે બધા પર તીવ્ર અસર કરશે. અમારા વિદ્યાર્થીઓ ઘણી વાર સિતાર, તબલા, વીણા, વાયોલિન અથવા મૃદંગમ જેવા ભારે સાધનો લઈને આવે છે તેમજ ઘણા વયોવૃદ્ધો અથવા દિવ્યાંગ મુલાકાતીઓ નજીકમાં પાર્કિંગ કરવા પર જ આધાર રાખે છે. અમારા મોટા ભાગના કાર્યક્રમો ઓછામાં ઓછાં ત્રણ કલાક સુધી ચાલે છે આમ, એક કલાકની પાર્કિંગ મર્યાદા સંપૂર્ણપણે ચાલી શકે તેમ જ નથી. તેનાથી અમારા વિદ્યાર્થીઓ, ઓડિયન્સના સભ્યો અને સંસ્થા તરીકે અમારા અસ્તિત્વને અસર થશે.’
તેમણે વ્યાપક અનુમાનોને હાઈલાઈટ કરતા જણાવ્યું હતું કે,‘વર્ષો દરમિયાન ભવન દર સપ્તાહે 1500થી 2000થી વધુ મુલાકાતીઓને આવકારવા સાથે સ્થાનિક બિઝનેસીસ અને એમ્પ્લોયમેન્ટ બાબતે ખૂબ યોગદાન આપે છે. નિયંત્રણોના કારણે અમારી સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ અવરોધાશે એટલું જ નહિ, સ્થાનિક અર્થતંત્રને પણ અસર થશે. લોર્ડ કાલાહન, લોર્ડ માઉન્ટબેટન અને હેરોલ્ડ મેકમિલન દ્વારા ઉદ્ઘાટન કરાયેલું અને કિંગ ચાર્લ્સ અને યુકેના ઘણા નેતાઓએ મુલાકાતો લીધી છે તે ભવન સમૃદ્ધ વીરાસત ધરાવે છે. આ નવા નિયમો ગુડવિલ, વિકાસ અને કોમ્યુનિટી યોગદાનના દાયકાઓને નષ્ટ કરી નાખશે.’
હવે જાહેર ગતિ પકડી રહી છે તેવી પિટિશન બાબતે ડો.નંદકુમારાએ જણાવ્યું હતું કે,‘અમે પિટિશનને ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક અને અન્ય પ્લેટફોર્મ્સ પર મૂકી છે અને લોકો અમારા કેસને સપોર્ટ કરવા રચનાત્મક પ્રતિસાદ સાથે આગળ આવી રહ્યા છે. આશરે 50 વર્ષ સુધી આ પાર્કિંગ વ્યવસ્થા કદી કોઈ મુદ્દો બની નથી ત્યારે આવા કઠોર નિયંત્રણો હવે શા માટે દાખલ કરાયા છે તે સમજી શકાતું નથી. અમને તાજેતરમાં જ આ નિયંત્રણો નવેમ્બરથી અમલી બનશે તેવી નોટિસ મળી છે જેનાથી અમારા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વ્યાપક કોમ્યુનિટીમાં ભારે ચિંતા સર્જાઈ છે. જો આ મુદ્દો આગળ વધશે તો ભારતની બહાર સૌથી મોટી ભારતીય સાંસ્કૃતિક સંસ્થા ભવન અને તેના પર આધારિત હજારો લોકોને ગંભીર અસર કરશે.’
સંસ્થાના સમાવેશી અને એકતાની ભૂમિકાનો પુનરુચ્ચાર કરતા તેમણે કહ્યું હતું કે, ‘ભવન હંમેશાંથી સમાવેશી સ્થળ રહ્યું છે જ્યાં દરેકને આવકારાય છે, અમે ક્રિસમસ અને દિવાળીની એકસમાન ઊજવણી કરીએ છીએ અને અમારા યોગ ક્લાસીસમાં ઘણા યુરોપિયન વિદ્યાર્થીઓ પણ સામેલ છે. અમે કદી કોઈ સંઘર્ષ કે વિવાદમાં પડ્યા નથી, માત્ર કળા, સંસ્કૃતિ અને શિક્ષણ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમ અમારા પેટ્રન્સ, સ્થાનિક સાંસદો અને બેરોનેસ ઉષા પ્રશાર અને સીમા મલ્હોત્રા MP સહિત સમર્થકોને આ નિયંત્રણોને અટકાવવામાં મદદ કરવા અનુરોધ કરી રહ્યા છીએ. ભવન રોજગારી પૂરી પાડે છે તેમજ ઘણા શિક્ષકો અને વિદ્યાર્થીઓને સપોર્ટ આપીએ છીએ. ભારતની બહાર આ પ્રકારની સૌથી મોટી સાંસ્કૃતિક સંસ્થાના યજમાન બની રહેવા બદલ હેમરસ્મિથ એન્ડ ફુલહામે ગર્વ અનુભવવો જોઈએ. યુકે અને ભારતના સંબંધો વધુ મજબૂત બની રહ્યા છે તેવા સમયમાં
જેના પર હજુ પુનઃવિચાર કરી શકાય તેવી નીતિના કારણે અમારા જેવી સંસ્થાને સહન કરવું કરવું પડે છે તે ખરેખર નિરાશાજનક છે.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ આ મહત્ત્વની સાંસ્કૃતિક સંસ્થાને ધમકીરૂપ સૂચિત CPZ D પાર્કિંગ નિયંત્રણોની સમીક્ષા કરવા હેમરસ્મિથ એન્ડ ફુલહામ કાઉન્સિલને
કરાયેલી અપીલ બાબતે ભારતીય વિદ્યા ભવનની સાથે અડીખમ ઉભા છે. અમે આ મારા વાચકો અને વ્યાપક કોમ્યુનિટીને ધ ભવનના ઉદ્દેશને સપોર્ટ કરવા તેમજ કળા, એજ્યુકેશન અને સમાવેશિતાની તેની વીરાસતને જાળવી રાખવામાં મદદ કરવાનો અનુરોધ કરીએ છીએ.

