અમદાવાદઃ દૃશ્યમ ફિલ્મ ઉપરથી પ્રેરણા લઈને પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી લાશ રસોડામાં દાડી દઈને બીજા દિવસે સિમેન્ટનું ફ્લોરિંગ પણ કરી દીધું હતું. ત્યાર બાદ પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. 1 વર્ષ અગાઉની ઘટનામાં પોલીસે બાતમીના આધારે પત્ની અને પ્રેમીની ઊલટ પૂછપરછ કરી રસોડું ખોદીને પતિનું હાડપિંજર બહાર કાઢ્યું હતું.
સરખેજના ફતેવાડીમાં રહેતા સમીરભાઈ બિહારી 1 વર્ષ પહેલાં રહસ્યમય રીતે ગુમ થયા હતા. પત્ની રુબીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ 1 વર્ષ પછી પણ ભાળ મળી નહોતી. બીજી બાજુ સમીર ગુમ થયો ત્યારથી રુબીની નજીકમાં રહેતા ઈમરાન સાથે બોલચાલ વધી ગઈ હતી.
ઈમરાન રુબીના ઘરે આવતો-જતો હતો. આ વિશે સ્થાનિકે ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપી હતી. જેના આધારે ટીમે બંને પર વોચ રાખી હતી, જેમાં રુબી અને ઇમરાન વચ્ચે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને શંકાના આધારે બોલાવીને ઊલટ તપાસ શરૂ કરતાં બંનેએ 1 વર્ષ પહેલાં છરીના ઘા મારી સમીરની હત્યા કરી લાશ રસોડામાં દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસ રુબીના ઘરનું રસોડું ખોદીને સમીરનું હાડપિંજર બહાર કાઢ્યું હતું.

