દાહોદઃ જિલ્લામાં મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડમાં પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યમંત્રી બચુ ખાબડના બંને પુત્રોની સંડોવણી બહાર આવ્યા બાદ સરકારના મોવડીઓએ 15 ઓગસ્ટના મહત્ત્વના ધ્વજવંદનના કાર્યક્રમથી પણ મંત્રીની બાદબાકી કરી નાખી છે. સ્વતંત્રતા દિને કયા મંત્રીઓ કયા જિલ્લામાં ધ્વજવંદન કરશે તેની સરકારી યાદી જાહેર કરી તેમાં ખાબડને પડતા મુકાયા છે. તો રાજ્યકક્ષાના બે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને પરસોતમ સોલંકીનો નાદુરસ્ત તબિયતના કારણે સ્વતંત્રતા પર્વના કાર્યક્રમમાં સમાવેશ કરાયો નથી. 15 ઓગસ્ટે ધ્વજવંદનનો રાજ્યકક્ષાનો મુખ્ય સમારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે યોજાશે.
રાજ્યકક્ષાના મંત્રી ખાબડનો છેદ ઉડાડી દેવાતા હવે તેઓ કાગળ પરના જ મંત્રી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. દાહોદ જિલ્લાથી માંડીને ગાંધીનગર સુધીના અનેક કાર્યક્રમોમાં પણ તેમને ભૂતકાળમાં બાકાત રખાયા હતા. વિધાનસભામાં પણ તેમને મંત્રી તરીકે તેમના વિભાગના જવાબ આપવાની મંજૂરી અપાય તેવી હવે સંભાવના દેખાતી નથી. આ સાથે મંત્રીમંડળમાં ફેરફાર સમયે તેમને પડતા મુકાશે તે પણ સ્પષ્ટ થઈ જતાં ખાબડની હાલત કફોડી થઈ છે.
કયા મંત્રી ક્યાં ધ્વજવંદન કરશે ?
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી મહેસાણા જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેશે. તો કેબિનેટ મંત્રીમાં કનુભાઈ દેસાઈ નવસારી, ૠષિકેશ પટેલ સાબરકાંઠા, રાઘવજી પટેલ જામનગર, બળવંતસિંહ રાજપૂત વલસાડ, કુંવરજી બાવળિયા ગીર સોમનાથ, મૂળુભાઈ બેરા દેવભૂમિ દ્વારકા, કુબેર ડિંડોર પંચમહાલ, ભાનુબહેન બાબરિયા રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે. રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી ગાંધીનગર, જગદીશ વિશ્વકર્મા મોરબી, મુકેશ પટેલ ભરૂચ, ભીખુસિંહ પરમાર ખેડા અને કુંવરજી હળપતિ તાપીના કાર્યક્રમમાં ભાગ લેશે.