અમદાવાદઃ સિમ્સ હોસ્પિટલમાં રક્ષાબંધનના એક દિવસ પહેલાં ઇરાકની યુવતીનું સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું. મધ્યપ્રદેશના જબલપુરમાં અકસ્માત બાદ બ્રેઇનડેડ જાહેર કરાયેલા 31 વર્ષીય સત્યેન્દ્ર યાદવ નામના યુવકનું હાર્ટ ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ લવાયું હતું. ઇરાકની યુવતીના સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
જબલપુરના યુવકનું હૃદય ઇરાકની યુવતીમાં ધબક્યું
મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા સત્યેન્દ્ર યાદવ અકસ્માતમાં ઘાયલ થયા બાદ બ્રેઇનડેડ જાહેર થતાં તેનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો. અમદાવાદમાં સારવાર લઈ રહેલી ઇરાકની 21 વર્ષીય યુવતીને હાર્ટની જરૂર હોઈ જબલપુરથી ગ્રીન કોરિડોર દ્વારા હાર્ટને અમદાવાદ લવાયું હતું અને ઈરાકની યુવતીમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
4 મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં
સત્યેન્દ્રના ભાઈ વિજય યાદવે જણાવ્યું કે, સત્યેન્દ્ર જબલપુરમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પિતા, મોટાભાઈ અને પત્ની છે. સત્યેન્દ્રનાં એપ્રિલ 2025માં જ લગ્ન થયાં હતાં. અહીં તે ગેસ કંપનીમાં ડિલિવરીનું કામ કરતો હતો. 4 ઓગસ્ટે રાત્રે કામ પૂર્ણ કરી તે પરત ફરી રહ્યો હતો, ત્યારે અકસ્માત થયો હતો. ત્યારબાદ પરિવારજનોએ અંગદાન માટે નિર્ણય કરતાં તેના હાર્ટ, લિવર અને કિડનીનું દાન કરાયું હતું.