અમરેલીમાં સૌરઊર્જા ક્રાંતિ: 20,617 ઘરોમાં વીજબિલ ‘શૂન્ય’

Wednesday 13th August 2025 06:00 EDT
 
 

અમરેલીઃ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત અમરેલી જિલ્લામાં સૌરઊર્જા ક્રાંતિ સાકાર થઈ રહી છે. જિલ્લાનાં 20,617 ઘરોમાં સોલાર પેનલ સ્થાપિત કરાઈ છે, જેના કારણે હજારો નાગરિકોનું વીજબિલ ‘શૂન્ય’ થયું છે. અમરેલીના જાળિયા ગામના સ્થાનિકોના જણાવ્યા મુજબ અમારા ઘરની છત હવે માત્ર છત નથી રહી, પરંતુ પર્યાવરણ રક્ષક અને આવકનું સાધન બની છે. આ ચમત્કાર પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાથી શક્ય બન્યો છે.
જિલ્લામાં નાગરિકોના ઘરની છત પર સ્થાપિત સોલાર પેનલ દ્વારા આશરે 63,299 કિલોવોટ એટલે કે પ્રતિદિન 2,53,196 યુનિટ વીજઉત્પાદન થઈ રહ્યું છે. આ સાથે નાગરિકોએ વર્ષ 2023-24માં રૂ. 3.33 કરોડની વીજળીનું વેચાણ કરી કમાણી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "હર ઘર સૂર્યઘર" બનાવવાની નેમને સાર્થક કરવા અમરેલી જિલ્લો અગ્રેસર બન્યો છે. આ યોજના દ્વારા નાગરિકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ સ્થાપિત કરી વીજઉત્પાદન કરી રહ્યા છે. પરંપરાગત વીજળીના સ્ત્રોતોની તુલનામાં સૌરઊર્જા પર્યાવરણને વધુ અનુકૂળ છે. આ યોજનાથી નાગરિકોને વીજબિલમાં રાહત મળવાની સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ યોગદાન આપવાની તક મળે છે.


comments powered by Disqus