અમદાવાદઃ દુષ્કર્મ કેસમાં જેલ બંધ આસારામ હાલમાં જામીન પર બહાર છે, ત્યારે તબિયત લથડતાં ઇન્દોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, આસારામનું 'ટ્રોપોનિન લેવલ' ખૂબ જ ઊંચું છે, જે ચિંતાનો વિષય છે. તેમની સારવાર કરી રહેલા ડોક્ટરના મતે આસારામની હાલત ગંભીર છે. તબિયત બગડતાં તેમને ઇન્દોરની જ્યુપિટર હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, 8 ઓગસ્ટે તેમના દ્વારા કરાયેલી અપીલને જોતાં 29 ઓગસ્ટ સુધી જામીન વધારવામાં આવ્યા છે. આસારામની તબિયતમાં સુધાર ન થતાં તેમના જામીન લંબાવાઈ શકાય છે.