ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 6 ફાઇટર જેટ તોડી પાડ્યાઃ એરફોર્સ ચીફ

Wednesday 13th August 2025 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ એરફોર્સના ચીફ માર્શલ એ.પી. સિંહે શનિવારે ઓપરેશન સિંદૂરને લઈ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની એર ડિફેન્સ સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમે પાકિસ્તાનનાં 5 ફાઇટર પ્લેન અને એક જાસૂસી વિમાનને તોડી પાડ્યું હતું. આ જાસૂસી વિમાન હાઇટેક AEW&C/ELINT સર્વેલન્સ એરક્રાફ્ટ હતું, જે વિમાન દુશ્મનના હવાઈ હુમલાની આગોતરી ચેતવણી આપે છે અને સર્વેલન્સ મિશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિમાનોને તોડી પાડીને ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાની વાયુસેનાને મોટો ફટકો પહોંચાડ્યો છે.
એ.પી. સિંહે આ નિવેદન બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આપ્યું હતું. આ પહેલી વાર બન્યું છે, જ્યારે કોઈ ઉચ્ચ લશ્કરી અધિકારીએ પાકિસ્તાન દ્વારા થયેલા હવાઈ નુકસાનનો જાહેરમાં ખુલાસો કર્યો હોય. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આ ઓપરેશનની વિગતો ફક્ત ઉચ્ચ સુરક્ષા વર્તુળો સુધી મર્યાદિત હતી, પરંતુ હવે તેને જનતા અને વ્યૂહાત્મક સમુદાયની સામે લાવવી જરૂરી છે.

ઓપરેશન સિંદૂરમાં શતરંજની જેમ ચાલ ચલાવીઃ આર્મી ચીફ
ઓપરેશન સિંદૂરને લઈ વાયુસેનાના વડા પછી હવે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે આ ઓપરેશન પરંપરાગત યુદ્ધ નહોતું. પરંતુ શતરંજની ચાલ જેવું હતું. દુશ્મનની ચાલ કેવી હતી તે અમે જાણતા નહતા, પરંતુ અમે તૈયાર હતા. સંઘર્ષ 4 દિવસમાં સમાપ્ત થઈ ગયો, પરંતુ તે 14 કે 1400 દિવસ પણ ચાલી શકતો હતો. જનરલ દ્વિવેદીએ 4 ઓગસ્ટના રોજ આઈઆઈટી મદ્રાસ ખાતે આ નિવેદન આપ્યું હતું, જે રવિવારે સેના દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જનરલ દ્વિવેદીએ કહ્યું કે સેનાને ઓપરેશનમાં સંપૂર્ણ છૂટ અપાઈ હતી.
તેમણે ચેતવણી આપી હતી કે આગામી યુદ્ધ ટૂંક સમયમાં થઈ શકે છે. આપણે તૈયાર રહેવું પડશે. આ ફક્ત સેનાની લડાઈ નહીં હોય, પરંતુ આખા દેશે સાથે મળીને લડવું પડશે. ભારત બે મોરચે ઊભું છે અને બંને સરહદો સક્રિય કે અર્ધ-સક્રિય છે.


comments powered by Disqus