નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા 'મત ચોરી'ના આરોપો પર ચૂંટણીપંચે કહ્યું કે, તેમણે આ મામલે સોગંદનામું આપવું જોઈએ અથવા દેશ સમક્ષ માફી માગવી જોઈએ.
કમિશનનાં સૂત્રોએ શનિવારે પુનરોચ્ચાર કર્યો હતો કે જો રાહુલ ગાંધી મત ચોરી અંગે જે પણ આરોપો લગાવી રહ્યા છે તે સાચા હોય તો તેમણે તેના અંગે સોગંદનામું આપવું જોઈએ અને જો તેઓ આમ ન કરે, તો તેમણે દેશ સમક્ષ માફી માગવી જોઈએ. કમિશને અગાઉ પણ રાહુલ ગાંધીને સોગંદનામું આપવા અથવા આવી જ રીતે માફી માગવા કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીપંચે રાહુલ ગાંધીને મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીઓ દ્વારા જારી કરાયેલા ઘોષણાપત્ર પર સહી કરવા પણ કહ્યું છે.
રસ્તા પર વિપક્ષ
વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'એ કથિત ‘વોટ ચોરી' અને બિહારમાં મતદારયાદીના સઘન પુનઃ નિરીક્ષણ મામલે સોમવારે સંસદથી કૂચ કાઢી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં નીકળેલી કૂચમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, એનસીપી-એસ ચીફ શરદ પવાર અને સપાના વડા અખિલેશ યાદવ સહિત લોકસભા-રાજ્યસભાના લગભગ 300 વિપક્ષી સાંસદો જોડાયા હતા. પોલીસે સંસદ માર્ગ પર બેરિકેડ લગાવીને આ સાંસદોને રોકતાં તેઓ રસ્તા પર જ બેસી ગયા હતા, જેમની અટકાયત કરાઈ હતી.