ભુજઃ સરહદી અબડાસાના દરિયાકાંઠાથી ચરસનાં પેકેટ મળી આવતાં હતાં. તો હવે દરિયામાં તણાઈને આવતાં લિક્વિડ કાર્ગો કન્ટેનર્સ મળી આવવાનો ભેદી સિલસિલો શરૂ થયો છે. જખૌ આસપાસના દરિયાકાંઠે સૈયદ સુલેમાનપીર, શિયાળ બારી, સુથરી અને હવે છછીના દરિયાથી અત્યાર સુધી 4 લિક્વિડ કાર્ગો કન્ટેનર મળ્યાં છે. છછી અને ખુડા વચ્ચે કન્ટેનર મળી આવતાં પોલીસ, કસ્ટમ્સ, નેવી સહિતની એજન્સીઓમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
7 ઓગસ્ટે સૈયદ સુલેમાનપીર વિસ્તારથી બે લિક્વિડ કાર્ગો કન્ટેનર તણાઈ આવ્યાં હતાં. ત્યાર બાદ 10 ઓગસ્ટે સુથરી પાસેના દરિયામાં કન્ટેનર મળ્યું હતું. તો સોમવારે સવારે છછી અને ખુડાના વચ્ચેના દરિયાથી વધુ એક કન્ટેનર મળી આવ્યું છે. આમ 5 દિવસમાં 4 લિક્વિડ કાર્ગો કન્ટેનર જખૌ આસપાસના દરિયાકાંઠેથી મળી આવ્યાં છે. જો કે હજુ સુધી કોઈ કન્ટેનરને દરિયાથી બહાર લાવવામાં આવ્યાં નથી, પરંતુ કિનારા પર લાવીને તપાસ કરાઈ છે. કોઠારા પોલીસના જણાવ્યા પ્રમાણે આ તણાઈ આવેલા કન્ટેનર ટેન્કમાં કઈ પ્રકારનું કેમિકલ છે, તેમજ કન્ટેનર્સ ક્યાંથી અને કેવી રીતે તણાઈ આવ્યાં છે તે અંગે એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.