ડભોઈના બાણેજમાં રહેતાં ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ બનાવનારાં મેડમ કામાના વંશજો

Wednesday 13th August 2025 06:59 EDT
 
 

ડભોઈઃ સ્વતંત્રતાપર્વની ઉજવણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા હરઘર તિરંગા અભિયાન ચલાવાઈ રહ્યું છે. સૌને એ વાત તો ખબર છે કે, ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ મેડમ ભીખાઈજી કામાએ બનાવ્યો હતો, તેમણે જ વિદેશની ધરતી પર પ્રથમ વખત એ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. આ મેડમ ભીખાઈજી કામાના વંશજો પૈકી એક પરિવાર વડોદરા જિલ્લામાં વસવાટ કરે છે.
ભારતના રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ સ્વતંત્રતા સંઘર્ષ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. પ્રથમ રાષ્ટ્રધ્વજ 1906માં કોલકાતામાં લહેરાવાયો હતો. વર્ષ 1907માં મેડમ ભીખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટમાં ધ્વજ લહેરાવ્યો. પિંગળી વેંકૈયાએ 1921માં ધ્વજની એકરૂપ રચના કરી. જો કે જુદા-જુદા સમયગાળામાં ધ્વજમાં ફેરફાર થયા. છેલ્લે 22 જુલાઈ 1947એ બંધારણીય સભાએ હાલના ત્રિરંગાને ભારતીય રાષ્ટ્રીય ધ્વજ તરીકે માન્યતા આપી. કેસરી, સફેદ અને લીલા રંગના ત્રિરંગાની મધ્યમાં અશોકચક્ર છે.
દેશની આઝાદી માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનારા મુંબઈનાં મેડમ ભીખાઈજી કામાના પિતા સોહરાબજી શ્રીમંત હતા અને મુંબઇમાં રાજકીય અગ્રણી હતા. તેમનાં લગ્ન મુંબઈના વકીલ રુસ્તમજી કામા સાથે થયાં હતાં. આ મુંબઈના કામા પરિવારનાં મૂળ ભરૂચમાં હતાં. ભીખાઈજી કામાના શ્વસૂર પક્ષ એવા કામા પરિવારના ઘણા સભ્યો ભરૂચથી ગુજરાતમાં વિવિધ સ્થળે વસ્યા હતા. મેડમ ભીખાઈજી કામાના શ્વસૂર પક્ષના બીજી કે ત્રીજી પેઢીના પરિવારમાંથી આ એક એટલે દોરાબજી અરદેશજી કામા. સયાજીરાવ ગાયકવાડે દોરાબજી અરદેશજી કામાને ડભોઈ તાલુકાના બાણેજ ગામે 450 વીઘા જમીન આપી, જેથી તેઓ વસવાટ કરી ગુજરાન ચલાવી શકે. સયાજીરાવના આશ્રયથી દોરાબજી અરદેશજી કામા બાણેજ ગામે સ્થાયી થયા. તેઓ 20 વર્ષ સુધી બાણેજ ગામના સરપંચ પણ રહ્યા. દોરાબજીના સંતાન જમશેદજીને 5 સંતાન હતાં, જેમાં ત્રણ ભાઈઓ અને બે બહેન હતી, જે હાલ વિદેશ છે, જ્યારે ત્રણ ભાઈ પૈકી બે ભાઈનાં અકાળે અવસાન થતાં એકમાત્ર મનેશભાઈ છે. આ મનેશભાઈએ અહીં રહી નોન પારસી મહિલા સાથે પ્રેમલગ્ન કર્યાં. હવે તેમનો પુત્ર હોમીભાઈ તેમની સાથે રહે છે.
મનેશભાઈ પત્ની શંકુતલાબહેન અને પુત્ર હોમીભાઈ સાથે બાણેજ ગામે રહે છે, જે જમીન મહારાજા ગાયકવાડે તેમના દાદા દોરાબજીને આપી હતી. આ મનેશભાઈ અને હોમીભાઈ મેડમ કામાના શ્વસૂર પરિવાર કામા પરિવારના વંશજો છે જો કે મનેશભાઈ તેમના દાદા અને રુસ્તમજી કામા વચ્ચે શું સંબંધ હતો તે ચોક્કસ કહી શકતા નથી. દોરાબજી કામાએ ઉદાર સ્વભાવ દાખવી ગામમાં પ્રાથમિક શાળા બનાવવા પોતાની થોડી જમીન પણ દાનમાં આપી હતી. ત્યારબાદ ટોચની મર્યાદાનો કાયદો, પેઢી દર પેઢી ગંભીર બીમારી જેવી ઘટનાના કારણે તેઓની જમીનનો વિસ્તાર ઘટતો ગયો. આજે દોરાબજી કામાની ત્રીજી પેઢી હોમીભાઈ કામા અહીં રહે છે, તેમની પાસે હાલ 52 વીઘા જમીન છે, જે ખેતી માટે ભાડાપટ્ટે આપી તેઓ જીવનનિર્વાહ કરી રહ્યા છે.


comments powered by Disqus