સુરેન્દ્રનગરઃ થાનગઢમાં આવેલા તરણેતર ખાતે 26થી 28 ઓગસ્ટ દરમિયાન 20મી ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થશે. આ કાર્યક્રમનું આયોજન રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા કરાઈ રહ્યું છે.
ત્રણ દિવસીય આ ઓલિમ્પિકમાં પ્રથમ દિવસે 16 વર્ષ સુધીનાં બાળકો માટે 100 મીટર દોડ, 200 મીટર દોડ, 800 મીટર દોડ અને લાંબીકૂદની સ્પર્ધા યોજાશે. ઓપન કેટેગરીમાં ટૂંકી દોડ, લાંબી દોડ, ગોળાફેંક અને લંગડીની સ્પર્ધા રખાઈ છે.
બીજા દિવસે ઓપન કેટેગરીમાં નાળિયેર ફેંક, માટલાં દોડ, વોલીબોલ અને કબડ્ડીની સ્પર્ધા યોજાશે. પુરુષો માટે સ્ટ્રોન્ગેસ્ટ મેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ અને સાતોડી (નારગોલ)ની સ્પર્ધા રખાઈ છે.
ત્રીજા અને અંતિમ દિવસે 16 વર્ષ સુધીની બાળકીઓ માટે દોરડાકૂદની સ્પર્ધા યોજાશે. પુરુષો માટે કુસ્તીની સ્પર્ધા થશે, જે 45થી 55 કિગ્રા, 55થી 68 કિગ્રા અને 68 કિગ્રાથી વધુ વજન એમ ત્રણ કેટેગરીમાં યોજાશે. આ ઉપરાંત દોરડાખેંચની સ્પર્ધા પણ રખાઈ છે.
સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા રમતવીરોએ જિલ્લા રમત વિકાસ અધિકારી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લીંબડી, સુરેન્દ્રનગરથી એન્ટ્રી ફોર્મ મેળવવાનાં રહેશે. સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા રમતગમત વિભાગ દ્વારા ટી-શર્ટ અને કેપ અપાશે. વિજેતા ખેલાડીઓને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાશે.