વલસાડઃ છેલ્લા એક અઠવાડિયાથી રાજ્ય પરથી વરસાદનું જોર ઘટ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતના કેટલાક ભાગને છોડીને લગભગ આખા રાજ્યના તમામ જિલ્લા કોરાધાકોર જ રહ્યા છે.
વલસાડ જિલ્લામાં રવિવારે સવારે 4 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી 6.48 ઈંચ વરસાદ ખાબકતાં શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શહેરના છીપવાડ અને મોગરાવાડી ગરનાળામાં રાબેતા મુજબ પાણીનો ભરાવો થતાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. એ જ રીતે પારડી તાલુકામાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના 10 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉમરગામમાં 2 ઈંચ, વાપી તાલુકામાં 1.92 ઈંચ, ધરમપુર તાલુકામાં 15 મિ.મી. જેટલો વરસાદ ખાબક્યો હતો.
વલસાડના તિથલ રોડના સ્ટેટ હાઇવે સહિત નજીકમાં આવેલી દુકાનો, સોસાયટીઓ અને રહેણાક મકાનોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શનિવારે સાંજે 4 વાગ્યાથી રવિવારે સાંજે 4 વાગ્યા સુધી વલસાડ તાલુકામાં 6.48 ઈંચ, ધરમપુરમાં 0.72 ઈંચ, પારડીમાં 4.04 ઈંચ, ઉમરગામમાં 2.16 ઈંચ, વાપીમાં 1.92 ઈંચ અને કપરાડામાં 02 મિ.મી. વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.