રાજકોટઃ ‘ધર્મ કોઈ ભિન્નતા નથી લાવતો, તે તો એક જ સત્યના વિવિધ માર્ગો છે.’ કંઈક આવી જ માન્યતા છે રાજકોટ ખાતે રહેતા અને પ્રખર શિવભક્ત મુસ્લિમ અહેસાનભાઈ ચૌહાણની.
અહેસાનભાઈ ચૌહાણે આ અંગે જણાવ્યું કે, ‘જાગનાથ પ્લોટ વિસ્તારમા અમારો એકમાત્ર મુસ્લિમ પરિવાર વસે છે. બાળપણમાં શિક્ષિકાએ વર્ગમાં ભગવાન શિવનો મહિમા અને ઉપવાસ વિશે સમજાવ્યું હતું. તેમની વાતોથી પ્રેરાઈ મેં અભ્યાસમાં સારા પરિણામ માટે ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું. મારા પરિવારમાં ‘સર્વ ધર્મ સમભાવ’નું વાતાવરણ છે, હું હિન્દુ મિત્રો વચ્ચે રહ્યો હોવાથી હું રોજા અને ઉપવાસ બંને રાખું છું. મારા માટે બંનેનું એકસરખું મહત્ત્વ છે.’
54 વર્ષીય અહેસાનભાઈએ લોકોની મદદ કરી માનવ ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ કહે છે કે, ‘ઇશ્વરિયા મહાદેવે 34 વર્ષથી આખો શ્રાવણ મહિનો પગપાળા ચાલીને જાઉં છું. હું જરૂરિયાતમંદ લોકો, દિવ્યાંગો અને વડીલોને બની શકે તેટલી મદદ કરું છું. 21 વર્ષથી હું સ્વખર્ચે શ્રાવણના પ્રથમ સોમવારે વડીલોને સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે લઈ જાઉં છું. શ્રાવણના છેલ્લા દિવસે લોકોને જમાડું છું.’
એવોર્ડ મળ્યો
મને ભગવાન શિવમાં આસ્થા હોવાથી શ્રાવણ મહિનામાં શિવભક્તો અને રોજામાં મુસ્લિમ ભાઈઓની મદદ કરું છું. અત્યાર સુધી 3200થી વધારે ભક્તોને સોમનાથની નિઃશુલ્ક યાત્રા કરાવી છે. મને 2024માં રાજકોટ ક્લેક્ટેરે કોમી એકતાનો એવોર્ડ આપી સન્માન કર્યું હતું.