મોરબીઃ 11 ઓગસ્ટ 1979ના ગોઝારા દિવસે મોરબીમાં લોકો રાબેતા મુજબ પોતાના કાર્યમાં ગૂંચવાયેલા હતા. જો કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહાકાય મચ્છુ-2 ડેમમાં વિશાળ જળસ્ત્રોત આવી જતાં મચ્છુ ડેમ તૂટવાની સાથે મોરબીમાં રીતસર મોતનું તાંડવ સર્જાયું હતું. મચ્છુ ડેમના પાણીના રાક્ષસી મોજાં આખા શહેરમાં મોત બનીને ત્રાટકતાં મોરબી એકઝાટકે તબાહ થઈ ગયું હતું.
મોરબી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બચી ગયેલા લોકો ઊંચાઈવાળી જગ્યાએ પહોંચ્યા હતા. ત્યાં પણ મચ્છુએ મોતનો વિકરાળ પંજો ફેલાવતાં સ્થળાંતરિત કરાયેલા અનેક લોકો પરિવાર સહિત મોતને ભેટ્યા હતા. મોરબીના ઇતિહાસમાં સૌથી વધુ કરુણ અને ગોઝારી કહી શકાય તેવી આ ઘટનાની ભયાનકતાની યાદ પણ ધ્રુજાવી જાય છે.
જળહોનારતની ઘટના બાદ મોરબીને બેઠું કરવા તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પૂરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી. ત્યારબાદ ફિનિક્સ પંખીની જેમ બેઠા થઈને મોરબી શહેરે ખુમારી અને જિંદાદિલીથી શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૂંજતું કરી દીધું છે.
અસંખ્ય લોકોએ પરિવાર ગુમાવ્યો
વયોવૃદ્ધ પી.એમ. નાગવાડિયાએ એકનો એક દીકરો મચ્છુની હોનારતમાં ગુમાવ્યો હતો. આવા તો અનેક પરિવારો છે, જેમાં કોઈનો લાડકવાયો, કોઈનો ભરથાર તો કોઈનો માડીજાયો વીર કે કોઈનો આખો પરિવાર મચ્છુ જળ હોનારતમાં સદાયને માટે મોતના ખોળે સમાઈ ગયા હોય. હોનારતમાં દૂધીબહેન બરાસરાનાં માતા-પિતા સહિતના 11 લોકોનાં મોત થયાં હતાં. તેમની કમનસીબી એ હતી કે પાણીથી બચવા કારખાનાની ઓફિસમાં બારણું બંધ કરીને અંદર પુરાયા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે દરવાજો તોડીને પાણી ઘૂસી જતાં 11 લોકોનાં મોત થયાં હતાં.