વલસાડઃ મિસ્ત્રી પરિવારની 9 વર્ષની બાળકી રિયા સપ્ટેમ્બર 2024માં બ્રેઇનડેડ થયા બાદ તેના પરિવારે અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. આ બાળકીનો હાથ મુંબઈની 15 વર્ષની અનામતાને ટ્રાન્સપ્લાન્ટ કરાયો હતો, રક્ષાબંધનના દિવસે બહેનની યાદમાં નિરાશ મોટાભાઈ શિવમને મુસ્લિમ અનામતા છેક મુંબઈથી રાખડી બાંધવા આવી હતી. બહેન અનામતાએ શિવમને રાખડી બાંધતાં લાગણીના અતૂટ તાર ફરી જોડાઈ ગયા હતા. બહેન જીવિત ન હોવા છતાં તેના જ હાથે ભાઈને 'રક્ષા' બંધાઈ હતી. આ તકે અનામતાએ કહ્યું કે, હવે શિવમ મારો ભાઈ છે, દરવર્ષે રાખડી બાંધવા આવીશ.
અનામતા શિવમને રાખડી બાંધવા મુંબઈથી આવતાં મિસ્ત્રી પરિવારે આ વર્ષે અત્યંત ભાવુક અને અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. મુંબઈના મુસ્લિમ પરિવારની 14 વર્ષની અનામતા ઉત્તરપ્રદેશ તેના વતનમાં ગઈ હતી. ત્યાં ટેરેસ પરથી પસાર થતી 66 કેવી લાઇનના સંપર્કમાં આવવાથી તેને કરંટ લાગ્યો હતો, જેમાં અનામતાનો હાથ કપાઈ ગયો હતો.