રાજ્યના 11 જિલ્લા, 25000 ચોરસ કિ.મી.માં સિંહની અવર-જવર

Wednesday 13th August 2025 06:00 EDT
 
 

અમદાવાદઃ ‘જંગલના રાજા' ગણાતા સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર હવે વધુ ગંભીર બની હોય તેમ જણાય છે. ગુજરાત અને દેશનું ગૌરવ એવા એશિયન સિંહોની સંખ્યા વધીને 891 થઈ ગઈ છે, છેલ્લાં 5 વર્ષમાં સિંહોની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે. સિંહોનો વિસ્તાર હવે ગુજરાતના 11 જિલ્લાના 35 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાઈ ચૂક્યો છે. વર્ષ 2005 સુધી સિંહોનો વિસ્તાર 13 હજાર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો હતો અને વસ્તી 359 હતી.
સિંહ પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે 10 ઓગસ્ટના ‘વિશ્વ સિંહદિવસ' ની ઉજવણી કરાઈ છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણાસમાન છે. વનવિભાગના ઉપક્રમે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લામાં વિશ્વ સિંહદિવસની ઉજવણી કરાઈ. ગીરનું જંગલ ભવ્ય એશિયાઈ સિંહોના એકમાત્ર ઘર તરીકે જાણીતું છે. ગીર વન્યજીવ અભયારણ્યની સ્થાપના 1965માં કરાઈ હતી, ત્યારબાદ 1975માં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરાઈ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર 258.71 ચોરસ કિ.મી. છે, જ્યારે ગીર વન્યજીવ અભયારણ્ય 1,151.59 ચોરસ કિલોમીટર આવરી લે છે. ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર વન્યજીવ અભયારણ્ય, પાણિયા વન્યજીવ અભયારણ્ય, મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને જૂનાગઢ, ગીર-સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લામાં ફેલાયેલા વિસ્તારોનો સમાવેશ થાય છે. ગીર જંગલનું અનોખું અને વિવિધતાપૂર્ણ ઇકોસિસ્ટમ 631 નોંધાયેલી પ્રજાતિ સાથે વનસ્પતિની અતિસમૃદ્ધિ વિવિધતા ધરાવે છે.
બરડા વિસ્તાર હવે સિંહનું બીજું નિવાસસ્થાન
વર્ષ 1979માં અભયારણ્ય તરીકે જાહેર થયેલું બરડા ભૂતકાળમાં પોરબંદર અને જામનગર રાજવંશોનું શિકાર ક્ષેત્ર હતું. આજે તે એશિયાટિક સિંહના સંરક્ષણ માટે વિકસાવવામાં આવેલા વ્યાપક દૃષ્ટિકોણ હેઠળનું મહત્ત્વપૂર્ણ રહેઠાણ બની ગયું છે. આ વિસ્તારમાં જંગલ સફારી શરૂ કરવાની સાથે રોજગારીની નવી તકો ઊભી થઈ છે. માર્ચ 2025 સુધી 2,271 પ્રવાસીઓ આ સુવિધાનો લાભ લીધો છે. બરડા વિસ્તારમાં ઇકો ટૂરિઝમ વિકાસ માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરાઈ છે. મે 2025 દરમિયાન રાજ્યમાં થયેલી સિંહ ગણતરી અંદાજ પ્રમાણે સિંહોની કુલ વસ્તી વર્ષ 2020ની સરખામણીએ 32 ટકા જેટલી વધી છે, એટલે કે 674 થી વધીને 891 નોંધાઈ છે.

બરડામાં સિંહદિવસની ઉજવણી

દેવભૂમિ દ્વારકાના ટિંબડી ખાતે બરડા ડુંગરનાં સાંનિધ્યમાં ‘વિશ્વ સિંહદિવસ 2025’ની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવીન સફારી પાર્ક, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વન્યપ્રાણીઓ માટે રેસ્ક્યૂ સેન્ટર સૂહિતના કુલ રૂ. 179 કરોડનાં 11 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. વિશ્વ સિંહદિવસની ઉજવણી અંતર્ગત બરડા અભયારણ્યમાં મોનિટરિંગ તેમજ પેટ્રોલિંગ માટે વન્ય પ્રાણી રેસ્ક્યૂ વાહનો, બાઇક તેમજ પેટ્રોલિંગનાં અન્ય વાહનોને ફ્લેગ-ઓફ કરાવાયું હતું.


comments powered by Disqus