નવી દિલ્હીઃ જગદીપ ધનખડના રાજીનામા બાદ નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના 6 વર્ષથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું નામ ચર્ચામાં આવ્યું છે. આચાર્ય દેવવ્રતજી પણ જગદીપ ધનખડની જેમ જાટ સમુદાયથી આવે છે. એવું મનાઈ રહ્યું છે કે જાટ સમુદાયને સંદેશ આપવા તેમના પર કળશ ઢોળાઈ શકે.
આચાર્ય દેવવ્રત આર્યસમાજ સાથે જોડાયેલા છે. પ્રાકૃતિક, ગાયઆધારિત ખેતીના પ્રખર પ્રચારક દેવવ્રત હરિયાણાના સમાલખાના નિવાસી છે અને હિમાચલપ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. આચાર્ય દેવવ્રતજીએ લાંબા સમય સુધી કુરુક્ષેત્રસ્થિત એક ગુરુકુળમાં આચાર્ય તરીકે પણ સેવા આપી છે. મળતી માહિતી મુજબ ભાજપે સંભવિત નામની અંતિમ યાદી બનાવવાનું શરૂ કરી દીધું છે. પક્ષના અધ્યક્ષ અંતિમ નિર્ણય માટે યાદી વડાપ્રધાન મોદીને સોંપશે. એવું જાણવા મળે છે કે કેસરિયા પક્ષ દ્વારા 18થી 20 ઓગસ્ટની વચ્ચે ગમે ત્યારે ઉમેદવારના નામની ઘોષણા કરાશે.