અમદાવાદઃ વિશ્વમાં માનવની હયાતી અંગે અનેક તર્ક-વિતર્ક થાય છે, પરંતુ હાલમાં કચ્છથી મળેલા પુરાવા એટલું તો સાબિત કરે જ છે કે હડપ્પા સંસ્કૃતિ પહેલાં પણ અહીં માનવજીવન ધબકતું હતું. હાલમાં જ કચ્છથી મળેલા પુરાવા સાબિતી આપે છે કે હડપ્પા યુગથી ઓછામાં ઓછા પાંચ હજાર વર્ષ પહેલાં પણ અહીં માનવવસ્તી હતી. એટલે કે વિશ્વની સૌથી જૂનામાં જૂની માનવ સભ્યતા કચ્છમાં હતી. આ પુરાવા IIT-ગાંધીનગર, IIT-કાનપુર, ઇન્ટર યુનિવર્સિટી એક્સેલરેટર સેન્ટર-દિલ્હી અને PRL-અમદાવાદના નિષ્ણાતોના સહયોગથી આ પુરાતત્ત્વીય પુરાવા પ્રાપ્ત થયા છે.
પ્રોફેસરને શંખના ઢગલા મળ્યા
IIT-ગાંધીનગરના પ્રો. વિક્રાંત જૈન કચ્છમાં પોતાના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ માટે તેઓ 2021માં ત્યાં ગયા હતા. આ દરમિયાન તેમને એક જગ્યાથી શંખના ઢગલા મળ્યા, જેનું કાર્બન ડેટિંગના આધારે જાણવા મળ્યું કે એ બધા શંખ લગભગ 9 હજાર વર્ષ જૂના છે.
પીઆરએલ રિપોર્ટ મુજબ આ શેલ મિડન છે. એટલે કે એક જમાનામાં જ્યારે ખેતી નહોતી, ત્યારે લોકો જે મળે એ ભેગું કરીને ખાતા હતા. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એ જમાનામાં ખડીર ટાપુની ચારેય બાજુ પાણી હશે. ટાપુ અને મેંન્ગ્રૂવ્સ હોય ત્યાં કેટલાક ખાસ પ્રકારના શંખની પ્રજાતિ વધે છે, એટલે એ સમયે ત્યાં રહેતા લોકો આ શંખને એકઠા કરી એને તોડી એમાંથી માંસ ખાતા હશે.