નવી દિલ્હીઃ વિપક્ષ એવો સવાલ કરી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી તેમનું સ્થાન ભાજપમાં કોણ લેશે? એવામાં મોદીએ ગૃહમંત્રી અમિત શાહને આગળ કર્યા છે અને તેમના ખૂબ વખાણ કર્યાં હતાં. એનડીએના સાંસદોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને સૌથી વધુ સમય સુધી દેશના ગૃહમંત્રી બન્યા રહેવા બદલ શુભેચ્છા પાઠવી હતી, સાથે જ કહ્યું હતું કે, ‘આ તો હજુ માત્ર શરૂઆત છે, હજુ તેમણે ઘણું જ આગળ જવાનું છે.’
એલ.કે. અડવાણીનો રેકોર્ડ તોડી અમિત શાહે સૌથી લાંબો સમય 2258 દિવસ ગૃહમંત્રી રહેવાનો રેકોર્ડ સ્થાપ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાએ નામ જાહેર ના કરવાની શરતે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનાં વખાણ ગૃહમંત્રી અમિત શાહની કુશળતાનું પ્રમાણ છે. અમિત શાહની ઉંમર 60 વર્ષની છે. વડાપ્રધાન મોદીએ તેમના પછી પક્ષમાં કોનું વર્ચસ્વ વધારે રહેશે તેના સંકેતો આપી દીધા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સેન્ટ્રલ વિસ્ટાના કર્તવ્ય પથ પર નિર્માણ પામેલા કર્તવ્ય ભવન-3નું ઉદઘાટન કર્યું હતું. જે બાદ તેમણે જનતાને સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, કર્તવ્ય ભવન વિકસિત ભારતની નીતિઓ અને દિશાનું માર્ગદર્શન કરશે. અગાઉ અલગ-અલગ મંત્રાલયોનાં ભાડાં પાછળ રૂ. 1500 કરોડ ખર્ચ થતા હતા. આ કોઈ સામાન્ય ઇમારતો નથી, અમૃતકાળમાં આ જ ભવનોમાં વિકસિત ભારતની નીતિઓ બનશે.
મોદીએ કહ્યું હતું કે, હું તમામ લોકોને કર્તવ્ય પથ ભવનની શુભકામના પાઠવું છું, જેના નિર્માણ સાથે જોડાયેલા તમામ શ્રમિક અને એન્જિનિયરો સહિતની ટીમનો આભાર વ્યક્ત કરું છું. અમે બહુ જ મંથન બાદ કર્તવ્ય ભવન નામ આપ્યું છે. કર્તવ્ય ભવન આપણા લોકશાહીની, બંધારણની મૂળ ભાવનાનો આઇનો છે. આઝાદી બાદ દેશના પ્રશાસનની મશીનરી દસકાઓ સુધી બ્રિટિશકાળમાં તૈયાર થયેલી ઈમારતોમાં જ કામ કરતી રહી છે.