ભુજ એરબેઝ પાસે ડ્રોન હુમલાનો પ્રયાસ

Wednesday 14th May 2025 06:11 EDT
 
 

ભુજઃ ઓપરેશન સિંદૂર બાદ ધુંઆપુંઆ થયેલા પાકિસ્તાન દ્વારા સતત ત્રણ દિવસ સુધી ભુજમાં હવાઈ હુમલાનો પ્રયાસ કરાયો હતો, જેને સેનાએ એર ડિફેન્સ સિસ્ટમથી નિષ્ફળ બનાવ્યો હતો. પાકિસ્તાનની આ નાપાક હરકતને લઈને ભુજ સહિત સમગ્ર કચ્છમાં હાઇએલર્ટ અપાયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, પાકિસ્તાને શનિવારે સવારે ભુજ એરબેઝ અને નલિયા એરબેઝને નિશાન બનાવ્યા હતા. જેમાં ભુજ એરબેઝના બહારના ભાગે આંશિક નુકસાન પહોંચ્યું હતું.
ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમથી ભુજ એરબેઝ પાસે 3 ડ્રોન તોડી પાડ્યાં હતાં. એક જ દિવસમાં સવારથી રાત્રી સુધી ભુજમાં 8, અબડાસા-હરામીનાળા વિસ્તારમાં 9, ગાંધીધામમાં 1 ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે યુદ્ધવિરામ બાદ કચ્છના અબડાસા, લખપત અને ભુજમાં એક-એક ડ્રોન જોવા મળ્યું હતું. જેમાંથી નલિયામાં બે ડ્રોન તોડી પડાયાં હતાં. ગુરુવારે ખાવડા પાસે સરહદના અંતિમ ગામ કુરન પાસે સવારે પાકિસ્તાની ડ્રોનને તોડી પડાયું હતું.
ભુજ એરબેઝને આંશિક નુકસાન
શનિવારે સૈન્ય દ્વારા સત્તાવાર માહિતીમાં કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, શ્રીનગરથી નલિયા સુધીનાં 26 થી વધુ સ્થળોને પાકિસ્તાને ડ્રોન એટેકનો પ્રયાસ કર્યો હતો ભુજ તેમજ ઉધમપુર, પઠાણકોટ, આદમપુર ભારતીય વાયુસેનાના થાણાને મર્યાદિત નુકસાન થયું છે. પાકિસ્તાને સિવિલ એરિયાને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારત તરફથી જડબાતોડ જવાબ અપાયો હતો.
આકાશમાં જ ડ્રોન ઉડાવી દેવાયા
અબડાસા તાલુકામાં શનિવારના વહેલી સવારના પાકિસ્તાન તરફથી આવેલા 3 ડ્રોન તેમજ વિસ્ફોટક સાધન હવામાં જ તોડી પડાયાં હતાં. ડ્રોનને તોડી પાડવા આકાશમાં છોડાયેલી મિસાઈલના કાટમાળના ટુકડા જમીન પર પડ્યા હતા. પાટ ગામના સીમાડામાં ઉડતા ડ્રોન દેખાતા તેને આકાશમાં જ નષ્ટ કરાયાં હતું. કાળા તળાવ ગામ પાસે પણ ડ્રોન જોવા મળ્યું હતું, જેને તોડી પડાયું હતું. ઉપરાંત નાની ધુફી પાસે પણ પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હતું.
આદિપુર કોલેજની પાસે પડ્યું ડ્રોન
આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ પાસેના અવાવરુ વિસ્તારમાં ડિફેન્સ સિસ્ટમે તોડી પાડેલું ડ્રોન ધડાકા સાથે ધરાશાયી થયું હતું. ધડાકાનો અવાજ સાંભળી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ઘટના બાદ પોલીસે અવશેષોની સઘન તપાસ શરૂ કરી હતી.
યુદ્ધ વિરામ બાદ બે ડ્રોન તોડી પડાયા
એકબાજુ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. તો બીજી બાજુ કચ્છના અબડાસામાં સાંજે ફરી ડ્રોન દેખાતાં ભારતીય સુરક્ષા દળોએ તેને તોડી પાડ્યું હતું. અબડાસાના કુણઠિયા ગામની સીમાડાથી આ ડ્રોનના અવશેષ મળી આવ્યાં હતાં, જેને ભારતીય સેના દ્વારા તોડી પડાયું હતું. નલિયા રાત્રે 9 વાગ્યાની આસપાસ 8 જેટલા ધડાકા સંભળાયા હતા.


comments powered by Disqus