અમદાવાદઃ મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલો વધુ એક ગુજરાતી પરિવાર વિખરાયો છે. મૂળ વિજાપુરના આનંદપુરા (કુકરવાડા) ગામનો અને હાલ અમદાવાદ રહેતો પરિવાર 6 મહિના પહેલાં કાયદેસર વિઝા સાથે લંડન પહોંચ્યો હતો. જ્યાંથી મેક્સિકો જઈ જળમાર્ગે અમેરિકન બોર્ડર ક્રોસ કરવા જતાં બોટ સમુદ્વમાં પલટી ગઈ હતી, જેમાં 15 વર્ષીય પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે 10 વર્ષીય પુત્રી લાપતા બની હતી. બીજી તરફ ઇજાગ્રસ્ત પતિ-પત્નીને સારવાર હેઠળ ખસેડાયાં હતાં.
આર્થિક તંગીનો સામનો કરી રહેલા મૂળ વિજાપુરના આનંદપુરા (કુકરવાડા) ગામના અને હાલ અમદાવાદમાં રહેતા બ્રિજેશ ઇશ્વરભાઈ પટેલ પત્ની જાગૃતિબહેન, દીકરો પ્રિન્સ અને દીકરી માહી સાથે 6 મહિના પહેલાં વિઝા સાથે લંડન પહોંચ્યા હતા. લંડનથી તેઓ ગેરકાયદે મેક્સિકો બોર્ડરની અમેરિકા જવાના હતા. બુધવારે પરિવાર બોટમાં બેસી જળમાર્ગે બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે સેન ડિએગો કિનારે પહોંચતાં દરિયો ગાંડોતુર થયો હતો. દરિયાનાં મોજાંની ચપેટમાં બોટ પલટી મારી ગઈ હતી, જેમાં બ્રિજેશ પટેલ અને તેમની પત્ની જાગૃતિબહેનનું ઇજાગ્રસ્ત હાલમાં રેસ્ક્યૂ કરાયું હતું, જ્યારે 15 વર્ષીય પુત્ર પ્રિન્સનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.
કુટુંબી ભત્રીજા અનિલ પટેલે જણાવ્યું કે, બ્રિજેશકાકાને સબ મર્સિબલ પંપનો વ્યવસાય હતો. દેવું વધી જતાં તેઓને દવા પીવાનો વારો આવ્યો હતો. બાદમાં મેં સમજાવતાં તેઓએ આ પગલું ભરવાનું ટાળ્યું હતું. બ્રિજેશકાકા 6 મહિના અગાઉ પરિવાર સાથે કાયદેસર વિઝા પર લંડન ગયા હતા. જો કે ત્યાંથી તેઓ આગળ કેવી રીતે ગયા એ ખબર નથી.
લંડનથી ગેરકાયદે US જવાનો એક વ્યક્તિનો ભાવ રૂ.65 લાખ
નામ ન આપવાની શરતે એજન્ટે જણાવ્યું હતું કે, લંડનથી ગેરકાયદે US જવાનો એક વ્યક્તિઓ ભાવ રૂ. 65 લાખ છે. બે બાળકો સાથે પતિ-પત્નીને આ માર્ગે બોર્ડર ક્રોસ કરાવાની હોય તો રૂ. 1.50 કરોડનો ભાવ લેવામાં આવે છે.
બોટમાં 16 લોકો સવાર હતા, તીવ્ર મોજાથી બોટ ડૂબી ગઈ
માહિતી અનુસાર મેક્સિકો બોર્ડરથી જળમાર્ગે અમેરિકા જઈ રહેલી બોટમાં કુલ 16 લોકો સવાર હતા. આ બોટ સેન ડિએગો કિનારા નજીક પહોંચી ત્યારે દરિયામાં તીવ્ર મોજાં શરૂ થતાં બોટ ડૂબી ગઈ હતી.