સુરતઃ યુકે અને ભારત વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થતાં સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ભારતથી યુકેમાં હીરા અથવા જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવશે તો યુકે સરકાર દ્વારા લેવાતી 4 ટકા ડ્યૂટી શૂન્ય કરી દેવાઈ છે. જેથી હવે ભારતમાં બનેલી જ્વેલરી યુકેમાં ચાર ટકા જેટલી સસ્તી પણ વેચી શકાશે. આ નિર્ણય બાદ હવેથી સુરતના હીરા અને જ્વેલરીના વેપારીઓનું એક્સપોર્ટ વધશે. યુકેમાં ઇમ્પોર્ટ ડ્યૂટી ચાર ટકાથી ઘટીને ઝીરો ટકા થઈ જતાં અન્ય દેશની સરખામણીમાં ભારતના વેપારીઓ યુકેમાં 4 ટકા સુધી સસ્તી જ્વેલરી વેચી શકશે. યુકેમાં વર્ષ 2024માં વિશ્વભરથી રૂ. 21866 કરોડની જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી, જ્યારે ભારતથી રૂ. 2750 કરોડની જ્વેલરી એક્સપોર્ટ થઈ હતી. આ સમયમાં વિશ્વથી રૂ. 8422 કરોડના હીરા એક્સપોર્ટ થયા હતા, જેમાંથી રૂ. 1422 કરોડના હીરા ભારતથી એક્સપોર્ટ થયા હતા.