રાજકોટઃ રાજકોટમાં વર્ષ 2014માં આસારામના યૌનશોષણ કેસમાં સાક્ષી વૈદ્ય અમૃત પ્રજાપતિની હત્યા કરવાના ગુનામાં 10 વર્ષથી વોન્ટેડ આરોપી કિશોર બોડકેને ડીસીબીએ કર્ણાટકના આશ્રમથી ઝડપી લીધો છે.
આરોપી કિશોર બોડકેએ પૂછપરછમાં નિવેદન આપ્યું છે કે, આસારામના 400 વિરોધીઓનું લિસ્ટ તૈયાર કરી ઢીમ ઢાળી દેવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટના સંતકબીર રોડ પર ઋષિભવન નામના ચિકિત્સાલયમાં 25 મે 2014એ અમદાવાદથી દર્દીઓની સારવારઅર્થે આવેલા વૈદ્ય અમૃત પ્રજાપતિની ગોળી ધરબી હત્યા કરાઈ હતી.
આ ગુનામાં વોન્ટેડ મહારાષ્ટ્રના કિશોર બોડકે કર્ણાટકના આસારામ આશ્રમમાં છુપાયો હોવાની માહિતીના આધારે ક્રાઇમબ્રાન્ચની ટીમે દોડી જઈ તેની ધરપકડ કરી હતી. આરોપી કિશોરને ઝડપવા ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓએ 5 દિવસ સેવક તરીકેનો વેશપલટો કરી આશ્રમમાં રહ્યા હતા. જ્યાંથી આરોપી કિશોરની ધરપકડ કરી રાજકોટ લવાયો હતો. આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમ ચલાવતી હોઈ આરોપીનો કબજો તેને સોંપવામાં આવ્યો હતો.

