આણંદઃ એલિકોન ગ્રૂપ ઓફ કંપની દ્વારા ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના મિકેનિકલ તથા પ્રોડક્શન એન્જિનિયરિંગના 60 જેટલા જરૂરિયાતમંદ તથા સ્કોલર વિદ્યાર્થીઓને રૂ. 17.25 લાખ સ્કોલરશિપ પેટે દાન આપવામાં આવ્યા. આ પ્રસંગે એલિકોન ગ્રૂપ ઓફ કંપનીઝના સીએમડી એન્જિનિયર પ્રયાસ્વીન પટેલ, સીઈઓ- ડિરેક્ટર આયુષ પટેલ, પ્રિન્સિપાલ બીવીએમ ડો. ઇન્દ્રજિત એન.પટેલ, હેડ મિકેનિક એન્જિનિયરિંગ ડો. વિનય પટેલ, હેડ પ્રોડક્શન એન્જિનિયરિંગ પ્રો. કમલેશ ડી. ભટ્ટ, એચઆર હેડ નિરાલીબહેન ત્રિવેદી ઉપરાંત બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રજિત પટેલે પ્રયાસ્વીન પટેલ તથા સમગ્ર એલિકોન ગ્રૂપનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, એલિકોન ગ્રૂપ દ્વારા CSR અંતર્ગત પ્રતિવર્ષ નાણાકીય સહાય અપાય છે. જે બીવીએમના મિકેનિકલ તથા પ્રોડક્શન એન્જિનિયરિંગના જરૂરિયાતમંદ તથા સ્કોલર વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીના ઘડતર માટે ઉપયોગી થાય છે.
પ્રયાસ્વીન પટેલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના શિક્ષણક્ષેત્રે મહત્ત્વ, પ્રદાન, સામાજિક ઉત્થાન માટે પ્રતિબદ્ધતા તથા કારકિર્દીના ઘડતરમાં તેની ભૂમિકા વિશે જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની કારકિર્દીમાં ઉત્તરોતર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એન્જિનિયર પ્રયાસ્વીન પટેલ બીવીએમ મિકેનિકલ 1980 ના સ્નાતક તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિયેશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ચારુતર વિદ્યામંડળના પ્રમુખ તરીકે પોતાની સેવા આપે છે.

