કુંભમાં ગુજરાતની સંસ્થા-સંગઠનોને ખાસ સ્થાન

Thursday 16th January 2025 01:57 EST
 
 

અમદાવાદઃ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભ યોજાઈ રહ્યો છે. 144 વર્ષના ઐતિહાસિક સંયોગના કારણે આ વખતના મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે. 45 દિવસ દરમિયાન દેશ-વિદેશથી અંદાજિત 40 કરોડ શ્રદ્ધાળુ પ્રયાગરાજ પહોંચી ગંગામાં શાહી સ્નાન કરે એવો અંદાજ છે. આ ધાર્મિક મહાઆયોજનમાં તમામ રીતે યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ગુજરાત પણ આગવું યોગદાન આપી રહ્યું છે. મહાકુંભમાં ગુજરાતના વિવિધ અખાડા, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ સ્વામિનારાયણની સંસ્થાઓ દ્વારા અનેક સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે.
વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રીએ શું કહ્યું?
વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ મંત્રી અશોક રાવલે કહ્યું, ગુજરાતના શ્રદ્ધાળુઓએ અમને પૂછપરછ કરી છે કે અમારે કુંભમાં કેવી રીતે જવું? ત્યાં કેવું આયોજન છે? આવા લોકોને માર્ગદર્શન મળી રહે એ માટે કાર્યકરોને અમે જવાબદારી સોંપી છે. આ સાથે જ ત્યાંના ટેન્ટમાં કાર્યરત્ કાર્યકરોના નંબર આપીને તમામ વ્યવસ્થા ગોઠવાય એવું પણ આયોજન કરી રહ્યા છીએ. ગુજરાતથી વિહિપના 100 કાર્યકર્તા ત્યાં ખડેપગે રહેશે. ગુજરાતથી પહોંચેલા મોટા ભાગના સંતોના ત્યાં ભંડારા થશે, અને આ માટે અગાઉથી જ કામગીરી ચાલી રહી છે.
ગુજરાતથી અનેક ભંડારા થશે
અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર દ્વારા મોહનદાસજી મહારાજના ભંડારા ઉપરાંત આ વખતે મહાકુંભમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંથી કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહાકુંભમાં થનારા મંથન અને નિર્ણયો વિશે અશોક રાવલે કહ્યું, કુંભ સમયે ધાર્મિક આગેવાનો ભેગા થાય ત્યારે આખા દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાતા હોય છે. પહેલાંના સમયમાં સંતો એકત્રિત થઈને નવા નિયમોને ઘડતા હતા.


comments powered by Disqus