ખેડબ્રહ્માઃ શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીકસમા અંબાજી મંદિરમાં 13 જાન્યુઆરીએ પોષી પૂનમ નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ. વહેલી સવારે મંગળા આરતી બાદ ગબ્બર પર્વતથી અખંડ જ્યોત લઈ માતાજીના જયઘોષ સાથે શક્તિદ્વાર સુધી જ્યોતયાત્રા યોજાઈ હતી અને નિજમંદિરે જ્યોત સાથે સમાવેશ કરવામાં આવી હતી. શક્તિદ્વાર પર મહાઆરતી બાદ મા અંબા હાથી પર સવાર થઈને નગરની પરિક્રમાએ નીકળ્યાં હતાં. ત્યારે મા અંબાના પ્રાગટ્ય દિવસના મહા ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીનાં દર્શનાર્થે ઊમટ્યા હતા.
ગબ્બરથી શક્તિદ્વાર સુધી અખંડ જ્યોતયાત્રા
13 જાન્યુઆરીએ સોમવારે પોષી પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની ‘અખંડ જ્યોત’થી જ્યોતનો અંશ લવાયો હતો. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠનાં મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લવાઈ હતી. ગબ્બર મંદિર પર પૂજા-અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવાઈ હતી. ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરાયું હતું.

