અમદાવાદઃ બ્રિટિશ સિટિઝનશિપ ધરાવતા અમદાવાદના યુવકની ગર્ભવતી પત્ની 4 મહિના પહેલાં ઘર છોડીને જતી રહેતાં અરજદાર પતિએ પોતાની પત્નીનો કબજો પાછો મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ કરી હતી. જેની સુનાવણી બાદ જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ સમીર દવેની ખંડપીઠે યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા પ્રતિવાદી સાસરિયાં પક્ષના સભ્યોને હુકમ કર્યો છે. વધુમાં હાઈકોર્ટે આ કેસમાં પોલીસ સહિત સાસરિયાં પક્ષના સભ્યોને નોટિસ પાઠવી હતી અને કેસની વધુ સુનાવણી જાન્યુઆરીમાં મુલતવી રાખી હતી.
મૂળ અમદાવાદના અને બ્રિટિશ નાગરિક પતિએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે, લગ્નના થોડા સમયે પત્ની ગર્ભવતી બની હતી. દરમિયાન સાસુ-સસરા, સાળીની દખલગીરીથી બંને વચ્ચે તકરાર શરૂ થઈ હતી. સાસરિયાંની ઉશ્કેરણી બાદ તે ઝારખંડ પિયર જતી રહી હતી.

