રાજકોટઃ સૌરાષ્ટ્રમાં મગફળીનું પિલાણ કરતી મિનિ ઓઇલ મિલનો ઉદ્યોગ ગામેગામ ગૃહઉદ્યોગ બન્યો છે. સૌરાષ્ટ્રમાં 500થી વધારે કચ્ચી ઘાણી ઓઇલ મિલો હાલ ધમધમી રહી છે. જેમાં ગીર સોમનાથ પંથકમાં 150થી વધુ મિની ઓઇલ મિલો ધમધમી રહી છે. દિવાળીના 15 દિવસ બાદથી આ મિની ઓઇલ મિલો ધમધમવા લાગે છે, જે 14 જાન્યુઆરી સુધી ચાલુ રહે છે.
સૌરાષ્ટ્રમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી કચ્ચી ઘાણીના તેલ ખાવાવાળાની સંખ્યામાં વધારો થયો છે. તેમાં શહેરી લોકો પણ ગામડામાંથી સીધા ખેડૂત પાસેથી મગફળી ખરીદી કરી અને બારેમાસનું ખાદ્યતેલ કઢાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે.
મગફળીના ભાવ આ વર્ષે ઓછા હોવાથી લોકોને ખેડૂત પાસેથી મગફળી લઈ અને પિલાણ કરાવે છે. તેમાં સિંગતેલનો ડબ્બો 2600 થી 2800 માં પડે છે. ઘાણીનું સિંગતેલ ડબલ ફિલ્ટર કરેલું હોવાથી આખું વર્ષ તેનો સંગ્રહ કરી શકાય, તેમાં કોઈ પ્રકારની ફરિયાદ રહેતી નથી. મિની ઓઇલ મિલધારકો જોબવર્ક કરી આપે છે, જેમાં ખેડૂતો પોતાની મગફળી લઈને આવે છે. તેમાંથી જે સિંગખોળ નીકળે છે તે બજાર ભાવથી રાખે છે પોતાની મજૂરી બાદ કરતાં એક ડબ્બે 250 થી 300 રૂપિયા સુધીનું વળતર આપે છે. મગફળીના વેપારીએ જણાવ્યું કે, આ વર્ષે મગફળીનું ઉત્પાદન સારું છે પણ બજારમાં ભાવ નથી. સરકારના ટેકાના ભાવ જાહેર કરેલા છે પણ તેમાં મોટાભાગના ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવેલું નથી.

