અમદાવાદઃ ‘મારો પુત્ર ચાર વર્ષ અગાઉ માછીમારી કરતાં-કરતાં આકસ્મિક રીતે પાકિસ્તાન પહોંચી ગયો હતો અને ત્યારથી તે ત્યાંની જેલમાં છે. પુત્રની મુક્તિની રાહ જોતાં-જોતાં તેના પિતાનું પણ અવસાન થયું છે. હવે હું બીજાના ઘરે કચરાં-પોતાં કરીને અને મારી પુત્રવધૂ માછલી છૂટી પાડવાનું કામ કરીને માંડ-માંડ ગુજરાન ચલાવીએ છીએ. પુત્રની મુક્તિ માટે કલેક્ટરથી લઈને નેતાઓ સુધી રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. હવે અમારી હિંમત પડી ભાંગી છે.’ આંખોમાં આંસુ અને અવાજમાં આક્રંદ સાથેના આ શબ્દો પાકિસ્તાની જેલમાં કેદ ગુજરાતના માછીમારની માતાના છે.
પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના માછીમારોના પરિવારોએ વિદેશમંત્રીને પત્ર લખી મદદ માગી છે. હાલમાં ભારતના 219 જેટલા માછીમારો કરાચીની માલિર જેલમાં વર્ષોથી કેદ છે, જેમાંથી મોટાભાગના ગુજરાતના છે. જેલમાં કેદ અનેક માછીમારોની હાલત અત્યંત ખરાબ છે. આ ઉપરાંત 170 માછીમારોની જેલની સજાની મુદ્દત પૂરી થઇ ગઇ હોવા છતાં તેઓ હજુ પણ કેદમાં છે. વર્ષ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ રાષ્ટ્રીયતા પુરવાર થયા બાદ એક મહિનામાં તેઓએ તેમના માછીમારોને કેદમાંથી મુક્ત કરવા પડશે. જો કે આ શરતોનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
ગુજરાતના જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તેમાં 52 માછીમાર 3 વર્ષથી, તો 130 માછીમારો 2 વર્ષથી મુક્તિની રાહ જોઈ રહ્યા છે. વિદેશમંત્રીને લખેલા આ પત્રમાં માછીમારોના પરિવારે માગ કરી છે કે, માછીમારોને જેલમાંથી મુક્ત કરવા પાકિસ્તાન પર દબાણ વધારવામાં આવે તે જરૂરી છે.
પાકિસ્તાનની જેલમાં કયા રાજ્યના સૌથી વધુ માછીમારો
રાજ્ય માછીમાર
ગુજરાત 134
દમણ-દીવ 24
મહારાષ્ટ્ર 18
ઉત્તરપ્રદેશ 17
તામિલનાડુ 07
પ.બંગાળ 07
(20 ડિસેમ્બરે લોકસભામાં રજૂ કરાયેલી વિગત)

