ગાંધીનગરઃ ઇસરોના ચેરમેન વી.નારાયણને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વન ટુ વન બેઠક યોજીને ઇસરોની તથા અમદાવાદના અંતરીક્ષ અનુસંધાન કેન્દ્રની વિવિધ સિદ્ધિની ચર્ચા કરી હતી. ઇસરો ચેરમેન વી. નારાયણને મુખ્યમંત્રીને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને સતત માર્ગદર્શનથી ઇસરોએ પાછલાં 11 વર્ષમાં 90થી વધુ સેટેલાઇટની સફળતા મેળવી છે. ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે વિકસિત રાષ્ટ્રની હરોળમાં આત્મનિર્ભરતા સાથે ઊભું રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીના કારણે અવકાશક્ષેત્રે ભારતનું નામ વિશ્વફલક પર આવી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇસરોની આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવી, વડાપ્રધાને સ્પેસ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સ માટે પણ આપવામાં આવેલી તકોની પ્રશંસા કરી હતી. ગુજરાતમાં ઇસરોને જરૂરી જમીન માટેની દરખાસ્ત અંગે પણ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારનો પોઝિટિવ એપ્રોચ દર્શાવ્યો હતો.

