નવસારીઃ હેરિટેજ રોડ જાહેર થયાના 19 વર્ષે નવસારીના વિજલપોરનો દાંડીકૂચ હેરિટેજ રોડ મનપા રૂ. 10 કરોડના ખર્ચે વિકસાવી રહી છે. મનપા ગાંધીથીમની તર્જ પર ખરા અર્થમાં તેને હેરિટેજ બનાવશે.
2006માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘ દાંડી આવ્યા ત્યારે સમગ્ર દાંડીકૂચ માર્ગને હેરિટેજ નેશનલ હાઈવે જાહેર કર્યો હતો, જેથી નવસારીના વિજલપોરના પશ્ચિમે રેલવે ફાટકથી એરુ ચારરસ્તા જતો માર્ગ પણ હેરિટેજ બન્યો અને તે નેશનલ હાઇવે હસ્તક આવ્યો હતો. નેશનલ હાઇવે હસ્તકના આ રોડની હાલત અયોધ્યાનગરથી એરુ સુધીની ખરાબ તો નથી, પરંતુ નેશનલ હાઇવે, હેરિટેજ જેવી પણ રહી નથી.
હવે શહેરમાં મહાપાલિકા બનતાં પોણા બે કિલોમીટર માર્ગની સૂરત બદલવા મનપાએ રૂ. 10.7 કરોડના ખર્ચે પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં 6.5 મીટર પહોળાઈની બે લેન ઉપરાંત માર્ગ પાસે ફૂટપાથ, બેસવાની જગ્યા, ગ્રીનરી ઉપરાંત ખાસ કરીને માર્ગ દાંડીકૂચનો હોઈ ગાંધીથીમનાં પૂતળાં, ચરખો, ચિત્રો પણ ઠેરઠેર દર્શાવવામાં આવશે. પ્રોજેક્ટનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે. આગામી દિવસોમાં વર્ક ઓર્ડર આપવા સાથે કામ શરૂ થવાની શક્યતા છે.

