કચ્છની સિરક્રીક બોર્ડર પર લશ્કરી માળખું વધારી રહેતું પાકિસ્તાન

Wednesday 15th October 2025 05:43 EDT
 
 

ભુજઃ રક્ષામંત્રી રાજનાથસિંહે વિજયાદશમીની ઉજવણી ભુજમાં કરવાની સાથે પાકિસ્તાનને સિરક્રીકના મુદ્દે ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સિરક્રીક સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરાયેલો લશ્કરી માળખાગત સુવિધાનું વિસ્તરણ તેના નાપાક ઈરાદાને પ્રતિબિંબિત કરે છે.
રાજનાથસિંહે કહ્યું કે, જો પાકિસ્તાન સિરક્રીક સેક્ટરમાં કોઈ કાર્યવાહી કરવાની હિંમત કરશે, તો તેનો જવાબ એટલો ગંભીર હશે કે તે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખશે. રાજનાથસિંહના આ નિવેદને સિરક્રીકના મુદ્દાને ફરી સક્રિય કરી દીધો છે.
પાકિસ્તાન કચ્છ સેક્ટરમાં આવેલા તેના સરહદી વિસ્તારોમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી લશ્કરી માળખાને મજબૂત કરવામાં લાગેલું છે. ખાસ કરીને વિવાદના મૂળ એવા સિરક્રીક વિસ્તારમાં. જેના પગલે જ રક્ષામંત્રીને ભુજ આવીને પાકિસ્તાનને આ ધમકી આપવી પડી છે. છેલ્લાં 10-11 વર્ષમાં પાકિસ્તાને સિરક્રીક બાજુ બોર્ડર આઉટ પોસ્ટ (ચોકીઓ), જેટી અને વોચ ટાવર સહિતની સુવિધા ઊભી કરી દીધી છે. 96 કિલોમીટરની સિરક્રીકમાં પાકિસ્તાનની ત્રણ મહત્ત્વપૂર્ણ બોર્ડર આઉટ પોસ્ટ છે. જો કે ભારત કોઈપણ નાપાક હરકતને મજબૂત જવાબ આપી શકે તેવી તૈયારી કરી છે.
નવી ચોકી, અન્ય સુવિધા ઊભી કરી
સિરક્રીકનું મુખ જ્યાં દરિયામાં ભળે છે, ત્યાં પાકિસ્તાનની આ ચોકી છે. ચોંકાવનારી વાત એ છે કે, 2014 પહેલાં અહીં કઈ નહોતું, પણ 2016-2017માં એકાએક આઉટ પોસ્ટ ઊભી થઈ ગઈ હતી, ત્યારે જ જેટી અને વોચ ટાવર બાંધવામાં આવ્યાં અને ત્રણેક બેરેક બનેલાં હતાં. 2023માં વધુ બે-ત્રણ બેરેકનો વધારો, સોલાર પેનલ જેવું બાંધકામ અને ટાવર બનેલા દેખાય છે. અહીં હેલિપેડ પણ દેખાય છે.
ક્રીક મધ્યે રાહ દા પીરની ચોકી
આ વિસ્તારમાં પાકિસ્તાનની જૂની ચોકી છે, ત્યાં પણ હેલીપેડ, બેરેક સહિતની સુવિધા દેખાઈ રહી છે. જો કે અહીં 2012 પહેલાં પાકી જેટી નહોતી. 2013માં પાકી જેટી બનેલી જોઈ શકાય છે, ત્યારે બેરેકની સંખ્યા પણ વધેલી જોઈ શકાય છે.
મંગરા ક્રીકની સુવિધામાં વધારો કરાયો
સિરક્રીકની પાછળ પાકિસ્તાની વિસ્તારમાં મંગરા ક્રીક છે. ત્યાં પણ એક આઉટ પોસ્ટ દેખાય છે. આ ચોકી પણ જૂની છે. અહીં 2013 સુધીમાં એકાદ હેલિપેડ અને બે-ત્રણ બેરેક હતાં, પરંતુ ત્યારબાદ બીજી ચોકીઓની જેમ માળખાગત ફેરફારો જોઈ શકાય છે.
2011માં સિરક્રીક અંગે ચર્ચા થઈ હતી
2007ની રાવલપિંડી મંત્રણા વખતે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું હતું કે, સિરક્રીક વિવાદ 10 મિનિટમાં થાળે પડી શકે તેમ છે. જો કે પાકિસ્તાની શાસકોના દાવાઓ પર કોઈ ભરોસો કરી શકાતો નથી. 2011માં પાકિસ્તાને કચ્છની પીરસનાઈ ક્રીક પર દાવો ઠોક્યો હતો અને છેલ્લે 2020માં ઇમરાન સરકારે પ્રસિદ્ધ કરેલા નવા નકશામાં જૂનાગઢ સાથે સિરક્રીકને પોતાના વિસ્તારમાં સામેલ કરી દીધું હતું. સિરક્રીકમાં વર્ષ 2005 અને 2007માં ભારત-પાક. દ્વારા સંયુક્ત સરવે કરાયો હતો. વિવાદને ઉકેલવા મે 2011માં બંને દેશો વચ્ચે બેઠક થઈ હતી. આંતરરાષ્ટ્રીય મેરિટાઇમ બાઉન્ડ્રી બનાવવાનું નક્કી કરાયું હતું. જો કે તે અંગે કોઈ પ્રગતિ થઈ નહોતી.


comments powered by Disqus