ખડીરના જંગલથી પાકિસ્તાની યુગલ ઝડપાયું

Wednesday 15th October 2025 05:43 EDT
 
 

ભુજઃ વાગડના ખડીર દ્વીપસમૂહના રતનપર ગામના જંગલથી બે પાકિસ્તાની નાગરિકોને ઝડપી લેવાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રતનપર ગામના જંગલમાં આવેલા તળાવ નજીક લાકડા કાપતાં શ્રમિકોને આ યુગલ જોવા મળ્યું હતું, જેમણે તાત્કાલિક રતનપરના સરપંચને જાણ કરી હતી. સરપંચે ખડીર પોલીસને જાણ કરતાં હેડ કોન્સ્ટેબલ અને અન્ય પોલીસકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
આ અંગે ખડીરના ઇન્ચાર્જ પીએસઆઇ વી.એ. ઝાએ જણાવ્યું કે, પકડાયેલા યુગલની પૂછપરછ કરતાં તેમણે પોતે પાકિસ્તાની હોવાનું કહ્યું છે. જો કે તેમની પાસેથી પાકિસ્તાની હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. હાલ સુરક્ષા તંત્રની વિવિધ એજન્સીઓ સાથે સંકલન સાધી યુગલની તપાસ હાથ ધરાઈ છે.
4 દિવસ પહેલાં ભાગ્યાં હતાં
ખડીર પોલીસે જણાવ્યું કે, મીર સમુદાયનો 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચે પ્રેમસંબંધ પરિવારને પસંદ ન હોવાથી તેઓ ભાગી આવ્યાં હતાં. 4 દિવસ અગાઉ રાત્રે 12 વાગ્યે તેઓ ઘરેથી બે લિટર પાણી અને થોડું જમવાનું લઈને નીકળ્યાં હતાં. તેઓ ભાગ્યા તેની બીજી રાત્રે રસ્તામાં આવતા ટાપુ પર રોકાયાં હતાં, જ્યાં વરસાદી પાણી પી બીજા દિવસે સવારે ત્યાં રણનું પાણી પાર કર્યું હતું.
દાદાએ હિન્દુસ્તાન ભાગવા કહ્યું હતુંઃ કિશોરી
પાકિસ્તાની કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે, અમે બંને એક જ જ્ઞાતિનાં છીએ અને એકમેકના પ્રેમમાં છીએ, પરંતુ પરિવારજનો લગ્નની મંજૂરી આપતાં ના હોઈ ભાગીને આવ્યા છીએ. મેં ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયત્ન પણ કર્યો હતો, જેને લઈ મારા દાદાએ અમને હિન્દુસ્તાન ભાગી જવાનું કહ્યું હતું. આ બાદ સરહદ નજીકના લસરી ગામથી 6 ઓક્ટોબરે રાત્રે ઘરેથી અમે ભાગીને નીકળી આવ્યાં હતાં. મદદરૂપ થનારા સગાંએ ચંદ્રના પ્રકાશે રસ્તો કાપવાની સલાહ આપી હતી. એ મુજબ આગળ વધ્યાં અને સરહદને ઓળંગી હતી. આગળ ચાલતાં રણમાં ભરાયેલાં પાણી વચ્ચે ચાલીને અને તરીને વધતા રહ્યાં હતાં.
તપાસ કરતાં પાકિસ્તાનના લસરી ગામનાં હતાં
પોલીસે બંનેનું સરનામું પૂછતાં તેમણે સિંધી ભાષામાં યાદ ના હોવાનું કહ્યું હતું. જો કે બાદમાં કિશોરીએ હિન્દીમાં વાત કરતાં પોતાના ગામનું નામ લસરી બતાવ્યું હતું, જે અહીંથી 40 કિ.મી. દૂર પાકિસ્તાનમાં હોવાનું સામે આવ્યું હતું.


comments powered by Disqus