જૂનાગઢઃ સમગ્ર ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ગિરનાર પર્વત પર અંદાજે 5,500 પગથિયાં નજીક આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાની શરમજનક ઘટના બની, જે અંગેનો સમગ્ર ભેદ જૂનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી દીધો છે. આ ચોંકાવનારી ઘટનાનો માસ્ટર માઇન્ડ બીજું કોઈ નહીં, પરંતુ મંદિરનો જ એક પગારદાર સેવાદાર (પૂજારી) નીકળ્યો. જેણે પોતાની કમાણી વધારવા અને લાઇમ લાઇટમાં આવવા માટે આ ધૃણાસ્પદ ષડ્યંત્ર રચ્યું હતું. પોલીસે આ કેસમાં મૂળ મહારાષ્ટ્રના અને અઢી વર્ષથી જૂનાગઢમાં રહેતા પગારદાર સેવાદાર કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે.
CCTV, CDR અને FSLની મદદથી તપાસ
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, આ ગંભીર ઘટના બાદ રેન્જ આઇજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમ બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી. ટેકનિકલ એનાલિસિસ, ગિરનાર રૂટ, રોપ-વે અને અન્ય જગ્યાઓના કુલ 156 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરાયા હતા. આ માટે 10 ટીમ અને ખાસ નેત્રમ ટીમને કામે લગાવાઈ હતી.
ગિરનાર તળેટી અને પર્વત પરના ટાવર ડ્રમ અને લોકેશનના આધારે 500થી વધુ કોલ ડિટેઇલ રેકોર્ડ (CDR) કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બની તે સમયે રોપ-વેમાં ગયેલા 170 જેટલા લોકોની ઓળખ કરી તેમની પૂછપરછ કરાઈ હતી. તળેટીની હોટેલો અને ધર્મશાળાઓમાં રોકાયેલા લોકોની પણ પૂછપરછ કરાઈ હતી.

