નવી દિલ્હીઃ ગૂગલના CEO સુંદર પિચાઈએ મંગળવારે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હબ સ્થાપવાની જાહેરાત કરી છે. કંપની આ માટે 15 બિલિયન ડોલરનું પણ રોકાણ કરશે. પિચાઈએ જણાવ્યું કે, તેમણે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. એક ખાસ પ્લાન સાથે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટું ડેટા સેન્ટર અને AI હબ બનાવવામાં આવશે.
સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, ‘ભારતીય વડાપ્રધાન મોદી સાથે અમે વિશાખાપટ્ટનમમાં ગૂગલના પ્રથમ AI હબ બનાવવાની યોજના શેર કરી હતી. આ એક ઐતિહાસિક પગલું હશે, જે હબમાં ગિગાવોટ-સ્કેલ કમ્પ્યુટિંગ ક્ષમતા, એક નવું આંતરરાષ્ટ્રીય સબસી ગેટવે અને મોટાપાયે ઊર્જા માળખાગત સુવિધાનો સમાવેશ થશે.’
ભારતમાં રૂ. 1.33 લાખ કરોડનું રોકાણ
ગૂગલ ભારતમાં 15 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ રોકાણ દેશ માટે એક જેકપોટથી ઓછું નથી. તેનાથી ભારતને નોંધપાત્ર ફાયદો થશે. આ રોકાણનો આંકડો ભારતીય ચલણમાં રૂ. 1.33 લાખ કરોડ થશે.
ગૂગલના એક કાર્યક્રમમાં, ગૂગલ ક્લાઉડ સીઈઓ થોમસ કુરિયને કહ્યું કે, ‘આ નવું AI હબ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ડેટા સેન્ટર ક્ષમતા, મોટા ઊર્જા સ્ત્રોતો અને વિસ્તૃત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને એકીકૃત કરશે. અમે વિશાખાપટ્ટનમમાં AI હબ સ્થાપિત કરવા આગામી 5 વર્ષમાં 15 બિલિયન ડોલરના રોકાણની યોજના બનાવી રહ્યા છીએ.’

