અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે શનિવારે યોજાયેલા 71મા પદવીદાન સમારોહમાં 18 વિભાગના 713 વિદ્યાર્થીઓને પદવી એનાયત થઈ હતી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના દીક્ષાંત પ્રવચનમાં જણાવ્યું કે, ‘દેશવાસીઓનાં સંસાધનોથી નિર્માણ પામેલી આ વિદ્યાપીઠ રાષ્ટ્રનિર્માણ અને આત્મનિર્ભરતાના જીવંત આદર્શોનું 105 વર્ષ જૂનું ઐતિહાસિક પ્રતીક છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર 1920માં સ્થાપનાથી લઈને જાન્યુઆરી 1948 સુધી સ્વયં મહાત્મા ગાંધીજી આ સંસ્થાના કુલાધિપતિ (ચાન્સેલર) રહ્યા હતા. તેમના પછી સરદાર પટેલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઈ જેવા મહાપુરુષોએ કુલાધિપતિ તરીકે વિદ્યાપીઠને માર્ગદર્શન આપ્યું. રાષ્ટ્રપતિ મુર્મૂએ ભારપૂર્વક કહ્યું કે, દેશમાં ભાગ્યે જ કોઈ એવી સંસ્થા હશે, જેને 75 વર્ષ સુધી આવી મહાન વિભૂતિઓનું માર્ગદર્શન મળ્યું હોય. રાષ્ટ્રપતિએ એ વાત પર ખુશી વ્યક્ત કરી કે, વિદ્યાપીઠમાંથી સ્નાતક થનારી દીકરીઓની સંખ્યા દીકરાઓ કરતાં વધુ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે, જો આપણે સૌ સ્વદેશી અપનાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી કાર્ય કરીશું તો પૂજ્ય બાપુનાં સપનાંનું ભારત બનાવી શકીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદી માટે બ્રિટિશ સરકાર સામેની અસહકારની ચળવળનો પાયો રહેલી આ વિદ્યાપીઠનો આજનો પદવીદાન સમારોહ વિકસિત, આત્મનિર્ભર સ્વદેશી ભારતના સંવાહક યુવાઓના સમાજમાં પદાર્પણનો અવસર બન્યો છે.

