વડોદરાઃ ખાનગી યુનિવર્સિટીના 5 વિદ્યાર્થી રવિવારે નર્મદા જિલ્લાના ઝરવાણી નજીક ટૂંગાઈ હિલસ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી ગયા હતા. આ પૈકી એક વિદ્યાર્થીની માતાએ સોશિયલ મીડિયા મારફતે ગુજરાત પોલીસને ઇમર્જન્સી મદદ માટે અનુરોધ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તુરંત જ પોલીસને ત્વરિત પગલાં લેવા સૂચના આપી હતી. બીજી તરફ રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે નર્મદા જિલ્લા પોલીસને બચાવ ટીમને મોકલવા આદેશ કરતાં ગણતરીના કલાકોમાં જ ભૂલા પડેલા પાંચેય યુવા વિદ્યાર્થીને એમના મોબાઇલ લોકેશનના આધારે ટ્રેક કરી સલામત રીતે રેસ્ક્યૂ કરાયા હતા. આ વિદ્યાર્થીઓ અને તે પૈકી એકની માતાએ ગુજરાત પોલીસ અને ગૃહમંત્રી સંઘવીનો ત્વરિત મદદ બદલ આભાર માન્યો હતો.
સોશિયલ મીડિયા પર સુભાષિની એમ. નામની એક મહિલાએ ગુજરાત પોલીસને ટેગ કરીને જાણકારી આપી હતી કે નર્મદા જિલ્લામાં ટ્રેકિંગ માટે ગયેલા તેમના દીકરા સહિત 5 યુવાનો રસ્તો ભૂલી ગયા છે, તાત્કાલિક મદદ કરો. પોલીસની સોશિયલ મીડિયા આધારિત ત્વરિત મદદ માટેની પહેલ ‘GP-SMASH' ટીમના શિફ્ટ ઇન્ચાર્જ પીએસઆઇ એસ.જી. ચૌહાણે આ બાબતે લોકેશન સહિત તમામ વિગત મેળવીને નર્મદા પોલીસને જરૂરી સૂચના આપી હતી. નર્મદા પોલીસે વનવિભાગના કર્મચારીઓને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી. રવિવારે પોલીસ અને ફોરેસ્ટ ટીમે બપોરે 4:30 વાગ્યાની આસપાસ વડોદરાના માધવપુરા ખાતે રહેતા તમામ 5 યુવાનોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા હતા.

