દાહોદઃ દાહોદ જિલ્લા તેમજ મધ્યપ્રદેશ રાજસ્થાનના ટ્રાઇબલ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલય દ્વારા 380 કિ.મી. લાંબી દાહોદ-બાંસવાડા-નીમચ અને નંદુરબાર નવી રેલવેલાઇન માટે બે મહિના પહેલાં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની મંજૂરી આપી હતી. હવે એ ડીપીઆર પૂર્ણ થયા બાદ તેનો અભ્યાસ કરી રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે દાહોદથી બાંસવાડા વચ્ચે ફાઇનલ લોકેશન સર્વે કરવાની મંજૂરી આપી દીધી છે.
રેલવે મંત્રાલયના નિર્ણયથી રાજસ્થાન-મધ્યપ્રદેશની સરહદે આવેલું દાહોદ રેલવેની દૃષ્ટિએ જંક્શન બનશે. સાથે જ આસપાસના ખનિજ સંપદાથી સમૃદ્ધ વિસ્તારનું સીધું દાહોદ સાથે જોડાણ થશે. એટલું જ નહી આ નવો રેલમાર્ગ ભારતના સૌથી વ્યસ્ત દિલ્હી-મુંબઈ રેલમાર્ગ સાથે જોડાશે. સાથે આ નવી રેરવેલાઇનથી આર્થિક અને સામાજિક વિકાસને ગતિ મળશે. દાહોદથી બાંસવાડા વચ્ચે નવી રેલવેલાઇન માટે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોરે અનેક વખત માગ કરી હતી. તેમની રજૂઆતને પ્રતિસાદ આપતાં રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે ડીપીઆર તૈયાર કરવાની મંજૂરી આપી હતી.
દાહોદ-બાંસવાડા રેલવે લાઇન દાહોદ જિલ્લા માટે પરિવર્તનકારી સાબિત થશે. હાલ દાહોદ મુખ્યત્વે દિલ્હી-મુંબઈ લાઈન પર આવેલું છે, પરંતુ આ નવી લાઇન બાદ તે ત્રણ રાજ્યોને જોડતું રેલવે નેટવર્કનું કેન્દ્રસ્થાન બનશે.

