પેરોલ પર છૂટ્યો ત્યારે ભાજપે મને મંત્રી બનાવવા ઓફર કરીઃ ચૈતર વસાવા

Wednesday 15th October 2025 05:03 EDT
 
 

રાજપીપળાઃ 180 દિવસના જેલવાસ બાદ જામીન પર છૂટેલા ચૈતર વસાવાએ ગરુડેશ્વર તાલુકાની એક જાહેરસભામાં જણાવ્યું હતું કે વિધાનસભાના ચોમાસુ સત્ર વખતે ગાંધીનગર ગયો ત્યારે ભાજપના મોટા ગજાના નેતાઓએ મને ઓફર કરી કે, ભાજપમાં જોડાઈ જાઓ એટલે મંત્રી બનાવી દઈશું, પરંતુ જનતાના પ્રેમને જોઈને મેં આ ઓફર ઠુકરાવી દીધી છે.
ગરુડેશ્વર તાલુકાના પ્રવાસ દરમિયાન ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં નાંદોદ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તથા નાંદોદ જીનના ડિરેક્ટર, ગરુડેશ્વર એપીએ.સી ડિરેક્ટર રમણભીમા તડવી તથા તેમની ટીમ, કોંગ્રેસ અને ભાજપના 2500થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ જાહેરસભામાં ચૈતર વસાવાએ મોટો ધડાકો કરતાં જણાવ્યું હતું કે, હું વિધાનસભાના ચોમાસુ સત્ર વખતે ગાંધીનગર ગયો ત્યારે મને ભાજપના મોટા ગજાના નેતાઓ મળ્યા હતા. જેમણે મને ઓફર કરી કે, ભાજપમાં જોડાઈ જાઓ, મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે એટલે મંત્રી બનાવી દઈશું. જો કે જનતાના પ્રેમ સામે ગમે તેટલો મોટો હોદ્દો કે કરોડો રૂપિયાની કોઈ કિંમત અને વિસાત નથી. લોકોનો પ્રેમ, સાથી મિત્રોનો સહકાર અને વડીલોના આશીર્વાદ જ મારી ખરી 'પૂંજી' છે. ગરીબ જનતાના આશીર્વાદ અને સહકાર મળ્યા છે, જે મંત્રીપદ કરતાં પણ
વધુ મૂલ્યવાન છે. એટલે મેં ભાજપની ઓફર ઠુકરાવી
દીધી હતી.


comments powered by Disqus