પ્રધાનમંત્રી-ગૃહમંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માની બેઠક

Wednesday 15th October 2025 05:02 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના પ્રમુખપદે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની નિયુક્તિ પછી સંગઠનની નવી ટીમની સાથોસાથ મંત્રીમંડળની પુનઃ રચના હવે ગમે ત્યારે થવાની શક્યતા છે. આ શક્યતા વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સોમવારે બપોરે નવીદિલ્હીની વાટ પકડતાં હવે ગુજરાતના રાજકારણમાં નવાજૂનીની શક્યતા છે. ગુજરાતના બંને નેતાએ સંગઠન મહામંત્રી રત્નાકરને સાથે લઈને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સંભવિત નવી ટીમ, મંત્રીમંડળમાં ફેરફારોનાં સમીકરણો તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કેવા પ્રકારની પૂર્વ તૈયારી કરવી તેવા પ્રમુખ મુદ્દાઓને લઈ વિસ્તૃત મંથન થયું હોવાનું જાણવા મળે છે.
એક પખવાડિયા પૂર્વે જ રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ ભાજપના નવા પ્રમુખપદે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની પસંદગીને મંજૂરી અપાઈ હતી. વિશ્વકર્માએ કેન્દ્રીય જળશક્તિમંત્રી બનેલા સી.આર. પાટીલ પાસેથી નવો પદભાર સંભાળ્યા બાદ હાલ જિલ્લાના પ્રવાસોમાં હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસ સપ્તાહની ઉજવણીને લઈ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા હતા. એની વચ્ચે રાષ્ટ્રીય નેતૃત્વનું તેડું આવતાં બંને નેતાઓ, સંગઠન મહામંત્રી નવી દિલ્હી પહોંચ્યા હતા. સોમવારે સાંજે 6 વાગ્યે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બેઠક યોજી હતી. બંને રાષ્ટ્રીય નેતૃત્વએ નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માને શુભકામના પાઠવી હતી.

હવે ગુજરાતમાં મોટાં રાજકીય ઓપરેશન થશે

દિલ્હીમાં યોજાયેલી આ બેઠક બાદ ગુજરાતના રાજકારણમાં મોટાં ઓપરેશનની સંભાવના તેજ બની છે. સોમવારે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે 6 કલાકથી વધુ બેઠક ચાલી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે, આ બેઠક બાદ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા પરિવર્તન આવી શકે તેમ છે. વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઈને હવે તર્ક કરવા કે ક્યાસ કાઢવા મુશ્કેલ બન્યા છે, કારણ કે આ બેઠક બાદ ન ધારેલા પરિવર્તનની સંભાવના પણ દેખાઈ રહી છે.


comments powered by Disqus