બોટાદઃ બોટાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કપાસ અને અન્ય જણસમાં કટકી કરી ચલાવાતી લૂંટનો વિવાદ વકર્યો હતો. પોલીસ દ્વારા મંજૂરી નકારાઈ હોવા છતાં બોટાદના હડદડ ગામે ખેડૂતોની એક મહાપંચાયત યોજાઈ હતી. જે દરમિયાન પોલીસ અને એકઠા થયેલા લોકો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.
ઉશ્કેરાયેલા લોકો દ્વારા પથ્થરમારો થતાં ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. આ દરમિયાન ડીવાયએસપીને પણ હાથમાં ઇજા થઈ હતી. ભીડને કાબૂમાં કરવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આ સ્થિતિના પગલે આપ નેતા ઇસુદાન ગઢવી બોટાદ પહોંચે તે પહેલાં તેમની અટકાયત કરાઈ હતી.
આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત મહાપંચાયતમાં ખેડૂત નેતા રાજુ કપરાડાની આગેવાનીમાં બોટાદના હડદડ ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. પોલીસે ગેરકાયદે મંડળીને વિખેરવાનો પ્રયાસ કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને પોલીસની ગાડીઓમાં તોડફોડ કરી હતી.
વિફરેલા ટોળાએ પોલીસની જીપને નુકસાન પહોંચાડીને ઊંધી પાડી દીધી હતી. સ્થિતિ કાબૂ બહાર જતાં અને પોલીસ કર્મચારીઓને બચાવવા માટે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ઘર્ષણ અને પથ્થરમારાના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

