ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દ્વારકા જગતમંદિર ખાતે શ્રીકૃષ્ણ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પૂરી શ્રદ્ધા સાથે દર્શન કર્યાં. સોમનાથ દાદાનાં દર્શન બાદ તેમણે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી હતી. સૌરાષ્ટ્રની આ મુલાકાતમાં રાષ્ટ્રપતિ દ્વારા ગીર સફારી પણ કરવામાં આવી હતી, જ્યાં તેઓ 20થી વધુ સિંહનાં દર્શન કરી અભિભૂત થયાં હતાં અને કુદરતના ખોળે ફોટો પણ પાડ્યા હતા. સિંહસદન ખાતે તેમણે સ્થાનિક આદિવાસીઓ સાથે ચર્ચા પણ કરી હતી. આ સાથે રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે, ગુજરાત એક અભિભૂત કરતી ધરા છે, જ્યાં ભક્તિ, ઇતિહાસ, જૈવવિવિધતા, કૌશલ્ય, ઉદ્યોગ અને કુદરતી સૌંદર્ય કુદરતે ખોબલેને ખોબલે આપ્યું છે.

