ભુજઃ સામત્રા ગામે 60 વર્ષના વિધુર સાથે દોઢ વર્ષ અગાઉ લગ્ન કરનારી 45 વર્ષીય મહિલાએ પતિએ નાણાં ન આપતાં કેરોસીન છાંટી જીવતો સળગાવી દીધો હતો. આધેડ પતિને સારવાર હેઠળ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. માનકૂવા પોલીસે આધેડની પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
60 વર્ષીય ધનજીભાઈ ઉર્ફે ખીમજીભાઈ વિશ્રામભાઈ કેરાઈને સંતાનમાં ત્રણ પુત્રો છે. જે પૈકી બે પુત્ર વિદેશમાં, જ્યારે ત્રીજો પુત્ર પરિવાર સાથે સામત્રામાં જ સ્વતંત્ર રહે છે. ધનજીભાઈનાં પત્નીનું 4 વર્ષ અગાઉ નિધન થતાં તેમણે દોઢ વર્ષ અગાઉ મહેસાણાના હીરપુરા ગામની કૈલાસ કનુસિંહ ચૌહાણ સાથે બીજા લગ્ન કર્યાં હતાં, જેના પણ છૂટાછેડા થયેલા છે.
કૈલાસે લગ્ન બાદ ધનજીભાઈની પ્રથમ પત્નીના સોનાનાં 18 તોલાં ઘરેણાં કબજે કરી આપતી નહોતી. દરમિયાન કૈલાસે ભુજમાં મકાન ખરીદ્યું હતું. આ અંગે શનિવારે કૈલાસે ફરી નાણાંની માગ કરતાં ધનજીભાઈએ ઇનકાર કરતાં ગેરેજમાં તેમને સળગાવી દીધા હતા.

